Western Times News

Gujarati News

વેક્સિનના ૫૮ લાખ ડોઝ અત્યાર સુધી બરબાદ થયા

Files Photo

દેશમાં કોરોનાના વ્યાપ વચ્ચે રસીની અછત હોવાની બૂમ-ભારતમાં ચાલી રહેલા રસીકરણના રિવ્યૂ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ હજુ સુધીમાં રસીના ૫૮ લાખ ડોઝ વેડફાયા

નવી દિલ્હી,  એક તરફ દેશમાં રસીની અછત હોવાની બૂમો રાજ્યોની સરકારો પાડી રહી છે અને રસીકરણ અભિયાન પર પણ તેની અસર પડી છે. જ્યારે બીજી તરફ દેશમાં અત્યાર સુધીમાં રસીના ૫૮ લાખ ડોઝ બરબાદ થયા હોવાની વિગતો સપાટી પર આવી છે.

મળતી વિગતો પ્રમાણે દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનના રિવ્યૂ રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે અત્યાર સુધીમાં રસીના ૫૮ લાખ ડોઝ વેડફાઈ ગયા છે. કેન્દ્ર સરકાર ૧૫૦ રુપિયે પ્રતિ ડોઝના ભાવે રસી ખરીદે છે. એ જાેતા સરકારના ૮૭ કરોડ રુપિયા બરબાદ થઈ ચુક્યા છે.

એકલા મહારાષ્ટ્રમાં જ પાંચ લાખ ડોઝ નકામા થઈ જતા તેને નષ્ટ કરવામાં આવ્યા છે. કેરાલાને છોડીને બીજા કોઈ રાજ્યમાં રસીના ડોઝ વેડફાયા ના હોય તેવુ બન્યુ નથી. કેરાલાનો રેકોર્ડ આ બાબતમાં ઉજળો રહ્યો છે. કેટલાક રાજ્યોમાં રસીના ડોઝ વેડફાવાની ટકાવારી આઠ થી નવ ટકા છે. જે ચિંતાજનક છે.

કોવિશિલ્ડ રસીના એક વાયલમાં ૧૦ લોકોને અપાય તેટલો ડોઝ હોય છે અને કોવેક્સિનના એક વાયલમાં ૨૦ લોકોને અપાય તેટલો ડોઝ હોય છે. એક વખત વાયલ ખુલે તે પછી ચાર કલાકની અંદર તમામ ડોઝ આપી દેવા જરુરી હોય છે. જ્યારે રસી કેન્દ્રો પર જાેવા મળી રહ્યુ છે કે, એક એક વાયલમાં ચાર થી પાંચ ડોઝ બરબાદ થઈ રહ્યા છે.

અત્યાર સુધીમાં દેશના ૧૦ કરોડ ઉપરાંત લોકોને રસી અપાઈ ચુકી છે. રસી વેડફાવાનો સિલસિલો નહીં રોકાય તો સરકારને થઈ રહેલુ નુકસાન પણ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.