Western Times News

Gujarati News

એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીનારાયણ માટે પ્રાથમિક સારવાર શરૂ કરાઇ

કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર અડીખમ

હોસ્પિટલનના તબીબો અને નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીની સ્વાસ્થ્ય સ્થિતિ તપાસી સધન સારવાર આપવાની તાકીદ હાથ ધરાઇ : એન્ટીબાયોટીક્સ થી લઇ ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પણ કાર્યરત

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીઓ માટે પણ પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર અર્થે એમ્બ્યુલન્સમાં આવે ત્યારે હોસ્પિટલમાં પથારી ખાલી ન હોવાથી હોસ્પિટલની બહાર એબ્યુલન્સમાં રાહ જોવી પડે છે.

1200 બેડ હોસ્પિટલના પ્રાંગણમાં ઉભેલી એમ્બ્યુલન્સમાં સ્વાસ્થ્યને લગતી ગંભીરતા ધરાવતા દર્દીને દાખલ કરવાની પ્રાથમિકતા આપવામાં આવે છે. અન્ય કેસમાં દર્દીને રાહ જોવી પડે છે ત્યારે તેમને સ્વાસ્થ્યને લાગતી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા દર્દીઓ પ્રત્યે સંવેદના દાખવીને તલસ્પર્શી નિર્ણય કરવામાં આવ્યો છે.

એમ્બ્યુલન્સમાં રાહ જોઇ રહેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જઇને પ્રાથમિક સારવાર આપવા તાકીદ હાથ ધરાઇ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., સી.એમ.ઓ. જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ આ સુદ્રઢ આયોજનમાં મહત્વની કડી બન્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલના નર્સ દિપાલી જાદવ કહે છે કે, હું ઓ.એસ. સ્ટાફ તરીકે 1200 બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને મને કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્વાસ્થ્ય લગતી પ્રાથમિક સારવાર આપવાની જવાબદારી સોંપવામાં આવી છે.દર્દીને ડીહાઇડ્રેશન ન થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવે છે. દર્દીને જરૂરિયાતને અનુલક્ષીને વિવિધ ઇન્જેકશન અને એન્ટીબાયોટીક આપી સારવાર હાથ ધરવામાં આવે છે.

જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબ ડૉ. યોગેશ મોરી કહે છે કે 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવે અને કોરોનાના બેડ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી દર્દીને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની કામગીરી અમારા તબીબો દ્વારા હાથ ધરવામાં આવી છે. એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ ઉપર રહેલા દર્દીને ઓક્સિજનની વધુ જરૂરિયાત જણાઇ આવતા તાકીદે તે પણ સંતોષવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં વાયરસ વધુ ધાતક બન્યો છે ત્યારે દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાત વધી છે.સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળે છે ત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે ઉક્ત નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

તેઓ ઉમેરે છે કે, એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીને શારિરિક સ્થિતિની ગંભીરતા પ્રમાણે લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે. દર્દીને ટ્રાયેજ થી લઇ વોર્ડમાં સારવાર અર્થે મોકલવા સુધીની તમામ પ્રક્રિયા સરળ બની રહે તે માટેનું સુદ્રઢ આયોજન સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.