Western Times News

Gujarati News

ઉચ્ચ મૂલ્યો અને દયાની દેવીના માર્ગે સેવામાં સંકલ્પબદ્ધ નર્સ બહેનો

રાજકોટની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ૪૭ નર્સ બહેનોની નવી નિયુક્તિ: હવે પીડીયુમાં ૮૦૨નો નર્સિંગ સ્ટાફ કરશે કોરોનાના દર્દીઓની સેવા

નર્સ બહેનો ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કોરોનાના દર્દીઓની શુશ્રૂષા અને સંભાળ રાખે છે : હિતેન્દ્ર ઝાંખરીયા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ,રાજકોટ

કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાયેલી નર્સિંગ બહેનોને અપાય છે નિયમિત તાલીમ

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલની ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતા હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓની સારી રીતે સેવા કરી શકાય તે માટે તાત્કાલિક અસરથી ૪૭ નર્સ બહેનોની નિમણૂક કરવામાં આવી છે અને હજુ વધુ જરૂરિયાત મુજબ રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ નિયુક્તિ કરાશે.

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી હિતેન્દ્ર ઝાખરીયાએ જણાવ્યું હતું કે ૪૭ નવી નિયુક્તિ સાથે હવે પીડીયુ સિવિલ હોસ્પિટલની ડેડીકેટેડ કોરોના હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની સંખ્યા ૮૦૨ની થઈ છે. ત્રણ સિફટમાં બહેનો કામ કરે છે. સ્ટાફ બ્રધર્સ પણ જુદી જુદી શિફ્ટમાં સેવા આપે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની કામગીરી પહેલેથી જ પ્રશંસાને પાત્ર રહી છે. વર્ષ ૨૦૨૦માં ૧૦૦થી વધુ બહેનો દર્દીઓની સેવા ચાકરી અને સારવાર દરમિયાન કોરોનાથી સંક્રમિત થઇ હતી. કોરોનાના સંક્રમણ માંથી સાજા અને સ્વસ્થ થઈને આ બેહનો ફરી સેવામાં લાગી ગઈ હતી. માર્ચ મહિનાથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેરમાં વધારે સંક્રમણને લીધે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ઉપરાંત બહારના જિલ્લામાંથી પણ ગંભીર અસરવાળા દર્દીઓ આવતા હોય રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ તરીકે રાજકોટની નર્સિંગ બહેનોએ બેખૂબી કામગીરી અને જવાબદારી નિભાવી છે.

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટની  સિવિલ હોસ્પિટલની કોવીડ હોસ્પિટલના વિવિધ ફલોર પર ત્રણ શિફ્ટમાં કામ કરતી નસિંગ બહેનોને નિયમિત તાલીમ આપવામાં આવે છે. રાત્રિના અરસામાં દવા અને ઇન્જેક્શનની જરૂરિયાત અંગે જરૂરી સમજણ તેમજ જ્યારે ડયૂટી બદલાય ત્યારે રીલીવર પાસેથી દર્દીના જરૂરી ફોલોઅપ અને ડોક્ટરે આપેલું માર્ગદર્શન, સારવાર તેમજ દર્દી પાસે પરિવારના સભ્યો ન હોવાથી પરિવારના સભ્યોની જેમ દર્દીઓની સેવા ચાકરી અને મદદ કરવા સહિતની સમજણ તેમજ વ્યવસાયિક મૂલ્યોની તાલીમ આપવામાં આવે છે. રાજકોટની સિવિલ હોસ્પિટલની નર્સિંગની બહેનો દયાની દેવીના માર્ગે અને રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમને સાર્થક કરી કોરોનાના દર્દીઓની સેવા ચાકરી માટે સંકલ્પબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.