Western Times News

Gujarati News

રાજ્યમાં વધુ ૯ શહેરોમાં ૫ મે સુધી રાત્રિ કર્ફ્‌યૂઃ શહેરોમાં સરકારનું મિનિ લોકડાઉન

ગાંધીનગર: કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતના વધુ ૯ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યુ અમલી બનાવ્યો છે. અત્યારસુધી ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યુ અમલી હતો જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતના કુલ ૨૯ શહેરમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધીનો આ કર્ફ્‌યુ ૫મી મે સુધી અમલી રહેશે. તદઉપરાંત આ ૨૯ શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. આમ ગુજરાતના શહેરોમાં સરકારનું ‘મિનિ લોકડાઉન’ અને ગામડાઓમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પછી કોરોનાને કાબૂમાં લેવા ૨૯ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યુ લાદવા સહિતના મહત્વના ર્નિણયો કર્યા. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે જ્યાં ભીડ-ભાડ એકત્ર થતી હોય છે. આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટી મસ થઈ ગઈ છે જે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે મે-૨૦૨૦માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે. આમ, ગુજરાત કોરોના મહામારી સામેની લડતમાં બરાબર એક વર્ષ પહેલા જ્યાં હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે.

આ પહેલા ગુજરાત સરકારે ગત ૬ એપ્રિલે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ઉપરાંત ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં રાત્રિ કર્ફ્‌યૂ લાગુ કર્યો હતો. આ શહેરોમાં કોરોનાની સ્થિતિ અત્યંત વકરી ચૂકી હોવાને કારણે સરકારે આ ર્નિણય લીધો હતો અને ૫ મે સુધી રાત્રિ કર્ફ્‌યુની જાહેરાત કરી હતી.

શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિનિ લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજીતરફ રાજ્યના ગામડાઓમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાઓમાં સ્વયંભૂ જાગૃતિ હવે જાેવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નિકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા તેનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.