Western Times News

Gujarati News

નાગરિકોને મદદ કરવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરવાનું બંધ કરે – ગૃહ રાજ્યમંત્રી 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃ્તવ હેઠળ ટીમ ગુજરત અવિરતપણે ગુજરાતની જનતાની  પડખે ઉભી  છે ત્યારે સત્તાા ભૂખી કોંગ્રેસ અભ્યાસ વગરના આક્ષેપો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે તે શોભતુ નથી  

 કોંગ્રેસનો એક પણ કાર્યકરે કે નેતાએ જનતાની વચ્ચે જઈને સેવા કરી હોય તો તેનો હિસાબ આપો : રાજસ્થાન સરકારની કામગીરી કરતાં ગુજરાત સરકારની કામગીરી સર્વોત્તમ

 રાજ્યમાં ૧૫ માર્ચે ૪૧ હજારની પથારી ઉપલબ્ધ હતી આજે ૯૩ હજાર પથારી ઉપલબ્ધ : માત્ર એપ્રિલ માસમાં જ પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે પૂરા પડાયા

 રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ : નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

 ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઓન વ્હિલ ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે : જેમ જગ્યા થાય તેમ દર્દીઓને દાખલ કરવામાં આવે છે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત અવિરતપણે કામગીરી કરી રહી છે ત્યારે માનવીની મહામૂલી જિંદગી બચાવવા માટે નાગરિકોને સહાયરૂપ થવાને બદલે કોંગ્રેસ હિનકક્ષાની રાજનીતિ કરી રહી છે. તે અત્યંત દુખદ અને નિંદનીય છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કરેલા આક્ષેપોને બેબુનિયાદ અને અભ્યાસવિહોણા ગણાવી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતની ટીમ ગુજરાત અને અમારો ભાજપનો કાર્યકર સતત  પ્રજાની વચ્ચે રહીને અવિરતપણે સેવા આપી રહ્યો છે. કોંગ્રેસનો એક પણ કાર્યકર કે નેતા ગુજરાતની પ્રજા વચ્ચે જઈને સેવા આપી હોય તો તેનો હિસાબ તેમણે આપવો જોઈએ.

તેમણે ઉમેર્યું કે, પડોશી રાજ્ય રજસ્થાનમાં તેમની સરકાર છે. તો તેની કામગીરી જોવી જોઈએ. રાજસ્થાન કરતાં ગુજરાતની કામગીરી ચોક્કસ જોવી જોઈએ. જો તેમણે અભ્યાસ કર્યો હોત તો આવા આક્ષેપો કરવાનો સમય જ ન આવ્યો હોત. સત્તા લાલસા ભૂખી કોંગ્રેસ મહામૂલી માનવ જિંદગી બચાવવાના આ યજ્ઞમાં રાજનીતિ કરવા નીકળી છે તે તેને શોભતુ નથી.

મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, ગુજરાતમાં જ્યારથી કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને એક પણ રજા ભોગવ્યા સિવાય મળતી કોર કમિટીની બેઠકમાં અનેકવિધ નિર્ણયો કરી પ્રજાને સુવિધા પૂરી પાડી છે. જેના પરિણામે અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સંક્રમણ અટકાવવામાં સફળતા મળી છે.

સાથેસાથે મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના અમારા મંત્રીમંડળના સભ્યોએ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં રૂબરૂ મુલાકાત લઈ પ્રજાને અપાતી સેવાઓની સમીક્ષા કરી  દર્દીઓને સાંભળ્યા છે અને સાંત્વના પાઠવી છે. એટલું જ નહીં મુખ્યમંત્રીશ્રી નિવાસસ્થાનેથી મુખ્યમંત્રી સ્વંય સીએમ ડેશ બોર્ડના માધ્યમ દ્વારા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તથા દર્દીઓ સાથે સંવાદ કરીને સાંત્વના પણ આપી છે. રાજ્યમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો પણ કાર્યરત કરી છે.

ગૃહમંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોરોનાની આ બીજી લહેરમાં સંક્રમણના પ્રમાણની ઝડપ વધુ  છે તેવા સંજોગોમાં દર્દીઓને સત્વરે સારવાર મળી રહે એ માટે રાજ્યમાં ૧૫મી માર્ચે ૪૧ હજાર પથારીની સુવિધાઓ ઉપલબ્ધ હતી તેની સામે આજે ૯૩ હજારથી વધુ પથારીઓ રાજ્યભરમાં ઉપલબ્ધ બનાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના અવિરત પ્રયાસો થકી ગુજરાતને જોઈએ તેટલી મદદ મળી રહી છે. અમદાવાદ GMDC ખાતે DRDOના સહયોગથી ૯૦૦ પથારની સુવિધા શરૂ કરવામાં આવી છે અને હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે પણ ૧૨૦૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલના નિર્માણનું કાર્ય શરૂ કરી દેવાયુ છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે, કોરોનાની સારવાર માટે ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં સમયાનુસાર ઉપલબ્ધ બનાવીને દર્દીઓને વિનામૂલ્યે પૂરા પાડ્યા છે. માત્ર એપ્રિલ માસમાં જ પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેકશનો વિનામૂલ્યે પૂરા પડાયા છે. એટલું જ નહીં આ વખતના કોરોનાના તબક્કામાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી  થઈ છે  ત્યારે ગુજરાત સરકારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ દર્દીઓને પૂરો પાડ્યો છે અને  આગામી સમયમાં નવા ૧૧ PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત  પ્રયત્નશીલ છે. દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલેન્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે વધુ ૧૭૫ નવી એમ્બ્યુલન્સ ખરીદીવાનો ઓર્ડર આપી દેવાયો છે.

જેમાંથી ૫૬ એમ્બ્યુલન્સ તો  આવતીકાલથી જઓન રોડ થઈ જશે જયારે બાકીની એમ્બ્યુલન્સ પણ એક એઠવાડિયામાં નાગરિકોની સેવામાં ઓન રોડ થઈ જશે જેથી ૧૦૮ એમ્બ્યુલન્સમાં વેઈટિંગની સમસ્યાનું નિરાકરણ આવી જશે. સિવિલ હોસ્પિટલો ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સમાં પણ ઓન વ્હીલ સારવાર શરૂ કરી દેવાય છે અને જેમ જેમ જગ્યા થાય તેમ દર્દીઓને દાખલ કરાઈ છે તેમ તેમણે ઉમેર્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.