Western Times News

Gujarati News

દિવંગત આત્માઓને ગાયત્રી ઉપાસકો દ્વારા  જાપ સાધના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

મોડાસા,  હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીમાં સૌનું મનોબળ ટકી રહે તે ખૂબજ જરૂરી છે. આ મહામારી સામે ઝઝુમતા અનેક જીવન હારી ગયા છે. સાથે સાથે અનેક પોતાના સ્વજનોને ગુમાવી ખૂબજ આઘાત વિરહ સહન કરી રહ્યા છે. હાલમાં સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિમાં  દરેક વ્યક્તિ પોતાને તેમજ સ્વજનોને બચાવ કરવા ચિંતાતુર છે.

આવા સમયમાં સૌમાં  આત્મબળ, આત્મિક ઉર્જા ખૂબજ જરૂરી છે. આવી સ્થિતિમાં આત્મબળ, આંતરિક ઉર્જા ટકાવી રાખવા માટે આધ્યાત્મિક ઉપાય શ્રેષ્ઠ  સહાયક બની શકે છે.

આવી વિકટ પરિસ્થિતિમાં મોડાસા તેમજ આસપાસના ગામોમાં ગાયત્રી પરિવાર   દ્વારા તા. ૨ મે રવિવારે બપોરે ૨ થી ૪ દરમિયાન મહામંત્ર જાપ કરવાનું આયોજન કરવામાં આવ્યું. સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર આ આયોજન કોઈ એક સ્થાન પર વધુ સંખ્યા એકત્રિત ના થાય તેથી દરેક પોતાના ઘર પર રહીને જ પણ એકજ સમયપર પ્રાર્થના થાય એમ આયોજન થયું. જેઓ અવસાન પામ્યા છે તે આત્માઓને શ્રદ્ધાંજલિ તેમજ સૌના સ્વાસ્થ્ય સુરક્ષાની ભાવના સાથે બે કલાક સુધી આ ગાયત્રી મહામંત્રની પ્રાર્થના કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મોડાસા સહિત સમગ્ર અરવલ્લી તથા સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં, ગામોમાં ઘેર ઘેર ગાયત્રી સાધકો દ્વારા મંત્રજાપ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. વિશેષમાં હાલમાં અવસાન પામેલ ગાયત્રી પરિવાર, અરવલ્લી જીલ્લા સંયોજકશ્રી  મનહરભાઇ પટેલ સહિત સૌ દિવંગત આત્માઓને ખૂબજ શાંતિ હેતું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.   તસ્વીર બકોર પટેલ મોડાસા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.