Western Times News

Gujarati News

નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતેથી ‘‘ફેમિલી ફાર્મર અભિયાન’’નો પ્રારંભ કરાવ્યો

ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને પરિવારને રસાયણયુક્ત ખોરાકથી  મુક્તિ આપવાનો ‘‘ફેમિલી ફાર્મર અભિયાન’’નો શુભ આશય

સૂરતઃ  ‘ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલશે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સુરતના અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે આયોજિત સમારોહમાં ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, પર્યાવરણના રક્ષણ માટે આપણે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવતી પ્રાચીન નૈસર્ગિક ખેતીને અનિવાર્યપણે અપનાવવી પડશે. ઓર્ગેનિક ખેતીમાં સમાજ અને કુદરતના જતન અને સંવર્ધનની સંકલ્પના સમાયેલી છે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’’, ‘જીવો અને જીવવા દો’ ની ભાવનાથી આપણી ભારતીય સંસ્કૃતિ માત્ર વ્યક્તિ માટે નહિ, પણ સર્વ જીવ અને સમષ્ટિના હિતને વરેલી છે. ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી ‘હેલ્ધી સોસાયટી’ના લક્ષ્યને સાધવા નૈસર્ગિક ખેતી જ ઉપયોગી બની રહેવાની છે, ત્યારે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે એમ તેમણે કહ્યું હતું.        

લોકોના રસોડામાં રસાયણમુકત ખોરાકની પ્રાપ્તિ અને અનેક રોગોમાંથી મુક્તિ સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ તેમજ વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુક્તિ આપી ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના શુભ આશય સાથે સુરત ખાતેથી ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમા સમગ્ર રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની દિશામાં નવી જાગૃત્તિ આવશે એમાં કોઈ બેમત નથી એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.  

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ અને અભિયાનના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ‘ફેમિલી ફાર્મર અભિયાન’ની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તેવા આશયથી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણમુકત ખોરાક મળી રહે તે માટે એક અનોખા ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પાયો નાંખવામાં આવ્યો છે. જેમ સમાજમાં ફેમિલી ડોકટરની પ્રણાલી પ્રચલિત છે, તેવી જ રીતે ફેમિલી ફાર્મર રાખવાનો સમય પાકી ગયો છે. શહેરીજનો શુદ્ધ શાકભાજી અને કૃષિ ઉત્પાદનો ખરીદવા ઈચ્છે છે, પણ આવા શાકભાજીનો સદંતર અભાવ હોવાથી આ અભિયાન અંતર્ગત  www.familyfarmerabhiyaan.com  નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટ ઉપર ગાય આધારિત પ્રાકતિક ખેતી કરતા ખેડૂતોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. ઓર્ગેનિક આહાર મેળવવા ઇચ્છતાં લોકો આ ખેડૂતો સાથે કરાર કરી વિવિધ કૃષિ ઉત્પાદનો અને જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.

પ્રાકૃતિક જૈવિક ખેતી વિષે સમાજનો મોટો વર્ગ અજાણ છે. જેમને ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીના અનેક ફાયદાઓથી લાભાન્વિત કરવાનો પણ આ અભિયાનનો હેતુ હોવાનું શ્રી સવાણીએ કહ્યું હતું.

રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓમાંથી મુકિત, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડા સાથે રોગમુકત અને સ્વસ્થ સમાજ તેમજ ભાવિ પેઢીને આરોગ્યપ્રદ જીવન વારસો આપવાનું ‘ફેમિલી ફાર્મર અભિયાન’નું ધ્યેય છે. જેમાં ગાયની ઉપયોગિતા સાથે ગૌસેવા અને પ્રાકૃતિક ખેતી દ્વારા ૫૦ ટકા પાણીની બચત થઈ શકે છે. દ્વારા લોકો રસાયણમુક્ત ખોરાકનું સેવન કરતાં થાય એ માટે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ રોગમુક્ત તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અનોખી પહેલ કરી ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પાયો નાંખ્યો છે. આ અભિયાનનો સુરત ખાતેથી શનિવાર તા.૮મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રારંભ કરાવશે.

કેન્દ્રીય રસાયણ અને ફર્ટીલાઈઝર રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ ફેમિલી ફાર્મર અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાથી મુક્તિ અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા આપણો દેશ કૃષિ સમૃદ્ધ હતો, દેશની કૃષિ જણસોને વિદેશોમાં નિકાસ થતી હતી. જેના કારણે ભારત દેશ સોનાની ચિડીયા કહેવાતો હતો. આપણા પૂર્વજોએ કરેલી પ્રાકૃતિક ખેતી તરફ પાછાં વળવાનો આ યોગ્ય સમય હોવાનું જણાવી તેમણે ખેતીમાં ખેડૂતો દ્વારા આડેધડ થતાં રાસાયણિક દવાઓ અને ખાતરના ઉપયોગથી માનવીય આરોગ્ય અને પર્યાવરણની વિકટ સમસ્યા ઊભી થઇ છે, જેના એકમાત્ર નિવારણ માટે સજીવ ખેતી અનિવાર્ય હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.   

મુખ્યમંત્રીશ્રીએ www.familyfarmerabhiyaan.com  વેબસાઇટનું ડિજીટલી લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા પ્રકૃત્તિની સામૂહિક મહાઆરતી કરી કાર્યક્રમના પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વે સુરતના સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી આગની દુર્ઘટનાના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોનું તુલસીના છોડ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

આ વેળાએ ઉદ્યોગપતિ અને સામાજિક અગ્રણીઓ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી સેવંતીભાઇ શાહ, શ્રી લાલજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી ફેમિલી ફાર્મર અભિયાનની સરાહના કરી હતી.

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, મેયરશ્રી ડો.જગદીશભાઈ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતિષ શર્મા, મ્યુનિ. કમિશનરશ્રી એન.થેન્નારસન, સાંસદ સર્વ શ્રીમતી દર્શનાબેન જરદોશ, શ્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ બલર, મુકેશભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, વિવેક પટેલ, સામાજિક અગ્રણીશ્રી ગોવિંદભાઈ ધોળકિયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.