Western Times News

Gujarati News

વાવાઝોડાને લીધે રસીકરણ બંધ રાખવાની જરૂર ન હતી

પ્રતિકાત્મક

તૌકતેને લીધે રાજ્યમાં બે દિવસ રસીકરણ બંધ -ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સારવાર માટેના બેડ મામલે રીઅલ ટાઇમ ડેટાને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા

અમદાવાદ,  કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓ મોટો પિટિશન પર અત્યારે સુનાવણી ચાલી રહી છે. ત્યારે હાઈકોર્ટે તૌકતે વાવાઝોડાને પગલે રસીકરણ બંધ કરવા મુદ્દે સરકારને ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કરી હતી કે, વાવાઝોડું આવાનું છે, એના કારણે આખા રાજ્યમાં રસીકરણ બંધ રાખવાની જરૂર નથી.

અમુક વિસ્તાર પ્રભાવિત થવાના હશે, પણ બધે રસીકરણ બંધ કરવાની જરૂર નહોતી. નોંધનીય છે કે, ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની અસરને પગલે બે દિવસ રાજ્યમાં કોરોના રસીકરણ બંધ કરવામાં આવ્યું છે.હાઈકોર્ટે કોરોનાની સારવાર માટેના બેડ મુદ્દે રીઅલ ટાઇમ ડેટાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભાર્ગવ કારીયાએ કહ્યું, બેડની ઉપલબ્ધિ બાબતે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ થતો નથી. મેં પોતે ૧૨ કલાક સુધી જાતે ચેક કર્યું, પરંતુ કોર્પોરેશનની કે સરકારી હોસ્પિટલના ડેટા અપડેટ થતા નથી?

આશા વર્કર અને એમબીબીએસમાં ભણતા વિદ્યાર્થીઓ જેમને કોવિડ ની કામગીરી સોંપાઈ છે તેમનું રસીકરણ પ્રાથમિક ધોરણે કરવામાં આવે તેવી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સિનિયર એડવોકેટ પર્સી કાવીનાએ રજૂઆત કરી હતી કે, ટેસ્ટની સંખ્યા ઘટી છે. ટેસ્ટિંગની સંખ્યા ઘટી, મૃત્યુના અંકડાનું અન્ડર રિપોર્ટિંગ કરી રહી છે સરકાર.
આજે મ્યુકર માઇકોસીસ મુદ્દે પણ રજુઆત થઈ. દવાઓ મોંઘી છે, મળતી નથી. કેસો વધી રહ્યા છે.

સરકારની તૈયારી દેખાતી નથી. સરકાર પારદર્શી રીતે કામ કરે એવી હાઇકોર્ટ એડવોકેટ્‌સ એસોસિયેશનની રજુઆત છે. વેકસીનેશન માટે સરકારનું પ્રોપર પ્લાનિંગ દેખાતું નથી, તેમ પર્સી કાવીના જણાવ્યું હતું. હવે સિનિયર એડવોકેટ મિહિર ઠાકોર રજુઆત કરી રહ્યા છે. મ્યુકર માઇકોસીસ  ના ઇન્જેક્શન ઘણા મોંઘા છે. એક ઇન્જેક્શન ૭૦૦૦નું આવે છે. ૧૦૦ જેટલા આપવા પડે છે. હાલ સરકાર ૫૦૦૦ જેટલા ઇન્જેક્શન ધરાવે છે, ઇન્જેક્શન ઓછા છે. દર્દીઓ વધુ છે…

એડવોકેટ જનરલે રજુઆત કરી હતી કે, કોરોનાની ચેઇન તોડવા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે, તમામ કામગીરી કરી રહ્યા છીએ. ટેસ્ટ ઘટ્યા એ વાત સાચી છે પરંતુ જેને કોઈ લક્ષણ નથી તેવા લોકો ટેસ્ટ કરાવતા નથી માટે ટેસ્ટિંગની સંખ્યા ઘટી હોય એવું લાગે છે. કોર્ટે પૂછ્યું, જ્યાં પુરતી સુવિધાઓ નથી અને ગ્રામીણ વિસ્તારમાં કેસો વધી રહ્યા છે તેના માટે શું કરી રહ્યા છો?

ટેસ્ટિંગ મુદ્દે ૨૬ માંથી ૧૫ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ થઈ ગયા છે. ૬ યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં ટેસ્ટિંગ શરૂ થઈ જશે, તેમ એડવોકેટ જનરલે જણાવ્યું હતું. કોર્ટે કહ્યું, માત્ર કાગળ પર કામ ન થવું જાેઈએ. જમીની હકીકતમાં પણ ટેસ્ટિંગ થવા જાેઈએ. પૂરતી વિગતો સોગંદનામું કરીને રજૂ કરો. જસ્ટિસ ભાર્ગવ કારીયા એ કહ્યું, અમારી માહિતી પ્રમાણે, ગ્રામીણ વિસ્તારોમાં એક એક ગામમાં રોજના ૪ થી ૫ લોકો મરે છે. એમના ટેસ્ટ થયા નથી હોતા. એમને ટેસ્ટ કરાવવાની જાણકારી પણ હોતી નથી. તેના માટે સરકાર શું કરી રહી છે?

જસ્ટિસ ભાર્ગવ કારીયાએ સરકારને પૂછ્યો વેધક સવાલ, રોજના ૨૫ હજાર રેમડેસીવીરની જરૂર છે. સામે ૧૬૧૧૫ જેટલા ઇન્જેક્શન જ આવે છે. શું ઇન્જેક્શનના અભાવે સરકાર દર્દીઓને મરવા દેશે? આ પ્રશ્નનો કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ જવાબ આપવો પડશે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ કો-ઓર્ડીનેશન દેખાતું નથી. હાઇકોર્ટે કેન્દ્રને પૂછ્યું, રેમડેસીવીરના વિતરણ પાછળનું શું મિકેનિઝમ છે? રાજ્યની નીચલી ડિમાન્ડ છે તે શા માટે પૂરી નથી થઈ રહી? ઇન્જેક્શનના અભાવે આવા દર્દીઓને મરવા છોડી દેવા યોગ્ય નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.