Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લાના ૪ તાલુકાના ૨૨૩ આશ્રય સ્થાનો આશ્રિતો માટે ઉપલબ્ધ

તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે-૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવ્યું

અમદાવાદ જિલ્લા વહવટી તંત્ર દ્વારા તાઉ તે વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા અને તેને ખાળવા માટે આગોતરા આયોજન રૂપ તમામ તૈયારી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં આશ્રય સ્થાનો કાર્યરત કરાવવામાં આવ્યા છે.

આ પૈકી ધોલેરા તાલુકામાં ૪૨, ધંધૂકામાં ૪૦,સાણંદમાં ૭૨, વિરમગામમાં ૪ અને ઘોળકા તાલુકામાં ૬૫ આશ્રય સ્થાન સ્થળાંતર કરાતા આશ્રિતો માટે કાર્યરત કરાવવામાં આવ્યું છે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્તદરિયાકાંઠાના ૧૬ ગામો પૈકીના ૪૫૨૪ લોકોને સલામતીપૂર્વક ઉક્ત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેમાં ૨૯૨૪ પુરુષ, ૧૨૫૩ સ્ત્રી અને ૩૪૭ બાળકોનો સમાવેશ થાય છે

આ તમામ સ્થળાંતર કરાયેલ લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ કરાવવામાં આવે છે. આ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં વ્યક્તિને આશ્રિત કરવામાં આવે છે. જો આ ટેસ્ટીંગ દરમિયાન કોઇ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ પોઝીટીવ જણાઇ આવે તો તેવા વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવાની તજવીજ હાથ ધરાઇ છે.

ઉક્ત ૪૫૨૪ સ્થળાંતરિત કરાયેલ વ્યક્તિઓ પૈકી અત્યારસુધીમાં એક પણ કોરોના સંક્રમિત જણાઇ આવેલ નથી. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાતા તમામ ગ્રામજનો, શ્રમિકો, બાળકો સહિતના લોકોને જમવાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

તાઉ તે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠા વિસ્તારના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં પોલીસ તંત્ર અને હવામાન વિભાગ દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી કાચા આવાસો અને ઝૂંપડીમાં રહેતા લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ગઇ કાલે અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ સમગ્રતયા પરિસ્થિતિનું જાત નિરિક્ષણ કર્યું હતુ ( છેલ્લા ૨૪ કલાક દરમ્યાન- સવારે ૬ કલાકે )


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.