Western Times News

Gujarati News

રાજ્યમાં ૨૪૩૭ ગામોમાં વીજળી ડૂલ, ૧૬,૫૦૦ મકાનોને નુકશાન

અમદાવાદ: સીએમ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની અસરથી ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે જેમાંથી ૪૮૪થી વધુ પુરવઠો પુનઃએકવાર શરૂ કરાયો. આ વિસ્તારમાં અંદાજે ૧૫૯ રસ્તાઓ બંધ છે, જેને ખોલવાની કામગીરી ચાલુ છે. ઉપરાંત વાવાઝોડાના કારણે અંદાજે ૪૦૦૦૦ વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે ૧૬,૫૦૦ જેટલા કાચા મકાનો-ઝૂંપડાને નુકસાન પહોંચ્યું છે. હજી પણ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.

રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે વાવાઝોડા અંગે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ગુજરાતમાં પ્રવેશેલું વાવાઝોડું ધીમું પડી રહ્યુ છે. ગઈકાલે ૧૬૦ની ગતિએ ત્રાટકેલા વાવાઝોડાની સ્પીડ હવે ૧૦૦ની થઈ ગઈ છે. આ વાવાઝોડું મંગળવારે બપોર સુધીમાં અમદાવાદ થઈને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. જાે કે, આજે મધરાત બાદ કાલે વહેલી સવાર પછી વાવાઝોડું ગુજરાત છોડી રાજસ્થાન તરફ જશે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રીએ રાજ્યના જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદ પવનની ગતિ અને હવામાન વિભાગની આગાહી અંગે પણ વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. જેમાં મુખ્યસચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જાેડાયા હતા. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની સતર્કતા, આગોતરા આયોજન અને લોકોના સહકારથી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી મોટી જાનહાનિ ટાળી શકાઈ છે.

૧૭મીના રાત્રે ૮.૩૦ કલાકે ઉના અને દીવ વચ્ચે ત્રાટક્યું હતું. આ દરમિયાન પવનની ગતિ ૧૫૦-૧૭૫ કિમીની હતી. વાવાઝોડાની જિલ્લાના ૧૧૨૭ ગામોમાં અસર થઈ છે. ઉપરાંત ગીર સોમનાથ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
રાજયમાં આજે સવારના ૬થી ૮ કલાક સુધીમાં ૨૨ જિલ્લાના ૧૦૬ તાલુકામાં કુલ ૯૪૩ મીમી વરસાદ નોંધાયો છે. કુલ ૧૯ જિલ્લાના ૧૧૨૭ સ્થળાંતર કરવા પાત્ર ગામોમાંથી ૨૨૮૬૭૧ લોકોને ૨૫૦૦ આશ્રય સ્થળોમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે ૧૪૮ પાકી ખાનગી ઈમારતો, ૨૨૧ સરકારી ઈમારતો અને ૧૬૬૪૯ કાચાપાકા ઝૂંપડાને નુકસાન થયું છે. વાવાઝોડાથી રાજયમાં કુલ ૧૯૪ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તે પૈકી ૪૦ રસ્તા ફરી શરૂ કરવામાં આવ્યા છે.

રાજુલા પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીને નુકશાન થયું છે. અમરેલી જિલ્લાના શિયાળબેટ ગામમાં ૩ બોટ તણાઈ ગઈ છે. ગુજરાતમાં વાવાઝોડાને કારણે ચાર લોકોના મોત થયા છે. વાવાઝોડાની અસરથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે સાંજે થયેલા વરસાદ બાદ આજે સવારથી જ જાણે ભરચોમાસું હોય તેવી રીતે આકાશમાં કાળાડિબાંગ વાદળોની સાથે ભારે પવનની સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધી વાવાઝોડાંની અસર હેઠળ વરસાદ પડવાની સાથે પવનની ગતિ વધારે રહેશે.

અમદાવાદની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આણંદ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બાકરોલ, મોગરી, સંદેસર, લાભવેલ આ તમામ વિસ્તારમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વાવાઝોડાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બાજરી, કેળા જેવા પાકોને નુકશાન થવાની ભીતિને કારણે ખેડૂતો ચિંતિત છે.

મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉતે વાવાઝોડું સોમવારે ગુજરાત પર ત્રાટક્યું હતું. તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૪ લોકોના મોત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચક્રવાત તાઉતેએ રાજ્યના કેટલાક ભાગોને ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓને નુકસાન થયું છે, જેથી રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.