Western Times News

Gujarati News

સુરતમાં પવન સાથે વરસાદથી વૃક્ષો ધરાશાયી, પાણી ભરાયા

પ્રતિકાત્મક

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી LIG બિલ્ડીંગનો જર્જરિત ભાગ તૂટી પડતા ભારે નાસભાગ મચી ગઈ

સુરત,  ગુજરાતમાં આવેલાં વિનાશક તાઉતે વાવાઝોડાએ સુરત શહેરની સુરત પણ બગાડી દીધી છે. ભારે પવન સાથે વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ધોધમાર વરસાદને કારણે સુરત શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. અત્યાર સુધીમાં વૃક્ષો ધરાશાયી થવાના ૧૦૦થી વધારે કોલ ફાયર વિભાગને મળ્યા છે.

એટલું જ નહીં શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એલઆઈજી બિલ્ડીંગનો જર્જરિત ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ. જાેકે, આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળી લીધો છે.

ઉલ્લેખનીય છેકે, આ ઉપરાંત પણ સુરતમાં એવી અસંખ્ય જર્જરિત ઈમારતો છે જે મોટું સંકટ બનીને હાલ ઉભી છે.
બીજી તરફ અમરોલી ખાતે આવેલા મનીષા ગરનાળામાં પાણી ભરાતા સિટી બસ બંધ પડી ગઈ હતી. અંડરપાસમાં વચ્ચોવચ બસ બગડતાં મનીષા ગરનાળુ બંધ થઈ ગયું છે. સતત વરસાદને લઈ ગરનાળામાં પાણી ભરાયું છે. ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે.

વાવાઝોડાની આગાહીને પગલે સુરત એરપોર્ટ બંધ કરવાનો ર્નિણય કર્યો હતો. વાતાવરણ ખરાબ હોવાને લઇને સોમવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી. સવારે દિલ્લીથી ચેન્નાઇ જતી ફ્લાઈટ ડાઇવર્ટ કરી સુરત એરપોર્ટ લેન્ડ કરવામાં આવી હતી.

સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી ૪૧૦ હોર્ડિંગ્સ અને ૩૫૬ જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. ૨૪ કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.