Western Times News

Gujarati News

દાહોદમાં કોરોનાને નાથવા અસરકારક બનતો ટેસ્ટ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટનો સિદ્ધાંત

વાવાઝોડું ગયું પણ કોરોના હજું છે, એટલે નાગરિકો વધુ સ્વયંશિસ્ત દાખવે

આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દર્દીઓને અપાતી મેડિસીન કિટ પણ ટર્નિંગ પોઇન્ટ સાબીત થઇ રહી છે

દાહોદમાં કોરોનાના પ્રતિ કેસ દીઠ ૧૯૨ વ્યક્તિનું કોન્ટેક્ટ ટ્રેસિંગ, ૧.૩૫ લાખ મેડિસીન કિટ્સનું કરાયું વિતરણ

મેડિકલ ઓક્સીજનની પણ માંગ ઘટી, એક સમયે ૯ ટન ઓક્સીજન સામે હાલમાં ૬ ટન પ્રાણવાયુની રહે છે માંગ

કોરોનાની બીજી લહેરને કાબુમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાઇ રહેલા નિયંત્રણ પગલાં અસરકારક સાબિત થઇ રહ્યા છે. દાહોદની બજારોમાં થતી ભીડ બંધ કરવા માટે આંશિક લોકડાઉન ઉપરાંત કોરોનાના દર્દીઓના ટ્રેસિંગ માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સઘન કામગીરીના કારણે કેસોનું પ્રમાણ હાલના તબક્કે ઘટ્યું છે. આમ છતાં, કોરોનાને સંપૂર્ણપણે હરાવવા માટે નાગરિકો સ્વયંશિસ્ત દાખવે એ હજુ પણ ખૂબ જ જરૂરી છે.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોનાની સમીક્ષા માટે આવેલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મેડિસીન કિટ્સ બનાવી દર્દીઓને આપવા માટેનું પ્રભાવકારી સૂચન કર્યું હતું. આ બાબત પણ બીજી લહેરમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થઇ રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મેડિસીન કિટ બનાવી દર્દીઓને આપવામાં આવતા માઇલ્ડ કેસોમાંથી કોરોનાને વધતો ડામી શકવામાં સફળતા મળી છે.

આરોગ્ય વિભાગ દ્વારા વિટામીન-સી, ઝિંક, લેવોસેટ્રીઝીન, એઝિથ્રોમાઇસીન સહિતની ગોળીઓની કિટ્સ બનાવી દર્દીઓને આપવામાં આવે છે. દાહોદના તમામ ૯૯ આરોગ્ય સેન્ટર, સબ સેન્ટર ઉપર આ કિટ્સ આપવામાં આવે છે.

કોરોનાનો કેસ ડિટેક્ટ થાય એટલે તે દર્દીને તો આ કિટ આપવામાં આવે છે, સાથે તેના સીધા સંપર્કમાં આવતી શંકાસ્પદ વ્યક્તિને પણ આ  કિટ આપવામાં આવે છે.

જેથી કોરોના વાયરસને ઉગતો જ ડામી દેવામાં આવે છે. તા. ૧૮ સુધીમાં ૧,૩૫,૫૮૦ મેડિસીન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કહ્યું હતું.

દાહોદમાં કોરોના વાયરસને નાથવા માટે સમગ્ર તંત્ર ટેસ્ટ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના સિદ્ધાંત ઉપર કામ કરી રહ્યું છે. આરોગ્ય કેન્દ્રોમાં સવારના ભાગે ઓપીડીની કામગીરી કરવામાં આવે છે

અને બપોર બાદ ફિલ્ડવર્ક આરોગ્યસેનાનીઓ દ્વારા કરવામાં આવે છે. દાહોદમાં પ્રતિકેસ દીઠ ૧૯૧ વ્યક્તિના ટ્રેસિંગ કરવામાં આવે છે. આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવનારી વ્યક્તિનો સમાવેશ થાય છે.

કલેક્ટર શ્રી ખરાડીએ એક મહત્વની વાત કહેતા જણાવે છે કે, દાહોદમાં કોરોનાના કારણે જે દર્દીઓના મૃત્યુ થયા તેમાં નગર વિસ્તાર કે તેની આસપાસ રહેતા લોકોનોનું પ્રમાણ વધું છે. ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના કોરોનાના કારણે મૃત્યું થવાના કેસીસ જૂજ છે.

એટલે એવું માની શકાય કે દાહોદમાં શહેરી કરતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોની રોગપ્રતિકારક શક્તિ વધું પ્રમાણ છે. જો કે, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ હજું પણ કોરોનાની રસી લેવા બાબતે જાગૃત થવાની જરૂર છે. નાગરિકો કોરોના સામે સ્વયંશિસ્ત દાખવે, માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે તે હજું પણ જરૂરી છે. તાઉ-તે ચક્રવાત ચાલ્યું ગયું છે, પણ કોરોના હજું છે જ ! ઘટતા કેસની સંખ્યા જોઇ બેફિકર બનવાની કોઇ જરૂર નથી.

દાહોદમાં આંશિક લોકડાઉનના કારણે કેસોનું પ્રમાણ ઘટ્યું છે, તેમ કહેતા ઓક્સીજન સપ્લાયર શ્રી કુતુબુદ્દીન પારાવાલા ઉમેરે છે કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિયંત્રક પગલાં અસરકારક રહ્યા છે. દાહોદની બજારોમાં ભીડ ઓછી રહે તે માટે હજું પણ આંશિક નિયંત્રણોની જરૂરત છે.

કેસો ઘટવાને પગલે દાહોદમાં ઓક્સીજનની માંગ પણ પણ ઘટી છે. ગત્ત તારીખ ૮ મેના રોજ દાહોદમાં ૯ ટન મેડિકલ ઓક્સીજનની ખપત હતી, તેની સામે હાલમાં સવા ટન ઓક્સીજન સપ્લાય કરવામાં આવે છે. એટલે કે, મેડિકલ ઓક્સીજનની માંગમાં ત્રણ ટનનો ઘટાડો થયો છે.

તે એમ પણ કહે છે, તાઉ-તે વાવાઝોડાની સ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી ચુસ્ત વ્યવસ્થાને પરિણામે ઓક્સીજન સપ્લાયની ચેઇન જળવાઇ રહી છે. મેડિકલ ઓક્સીજનના ટેન્કર પણ સમયસર મળ્યા હતા. વાવાઝોડાની કપરી સ્થિતિમાં કોરોનાના દર્દીઓને કોઇ તકલીફ ના પડે તેનો ખ્યાલ તંત્ર દ્વારા રાખવામાં આવ્યો છે. આલેખન – દર્શન ત્રિવેદી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.