Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ભારે પવનમાં ૧૭ વીજ પોલ પડી ગયા, એક કાચા મકાનને સામાન્ય નુકસાન

વાવાઝોડાની આપત્તિની સામે જિલ્લા વહીવટી તંત્રની સઘન પૂર્વ તૈયારના કારણે એકંદરે મોટું નુકસાન ટાળી શકાયું

તાઉ-તે વાવાઝોડાના પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં થયેલી અસરને કારણે વાદળિયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે જિલ્લામાં કેટલાક સ્થળે વીજ થાંભલા પડી જવાની ઘટના બની છે. જ્યારે, એક કાચા  મકાનને સામાન્ય નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. આપત્તિની સામે સઘન પૂર્વ તૈયારના કારણે એકંદરે મોટું નુકસાન ટાળી શકાયું છે.

વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર શ્રી પંકજ થાનાવાલાએ જણાવ્યું કે, જિલ્લામાં કૃષિલક્ષી વીજ જોડાણને લગતા પોલ પડી ગયા હોવાનું નોંધાયું છે. કુલ ૧૭ પોલ પડી ગયા છે. પડી ગયેલા વીજ થાંભલાને ફરી ઉભા કરવા માટે ત્રણ ટીમો કામ કરી રહી છે. રાત્રે વીજળી જવાના કેટલાક બનાવો બન્યા હતા. જેને તુરંત રિપેર કરી લેવામાં આવ્યા હતા.

વીજ કંપનીના કન્ટ્રોલ રૂમને ૫૯૨ કોલ્સ મળ્યા હતા. જે પૈકી રાત્રે ૪૭૦ એટેન્ડ કરી લેવામાં આવ્યા હતા. બાકીના કોલ્સ તા. ૧૮ના સવાર સુધીમાં સોલ્વ કરવામાં આવ્યા હતા. દાહોદમાં અત્યારે વીજ સેવા પૂર્વવત ચાલું છે.

બીજી તરફ દાહોદ ખાતે કાર્યરત સ્પીડોમિટરમાં પવનની મહત્તમ ગતિ ૧૭ કિલોમિટર પ્રતિકલાકની નોંધાઇ છે. ગઇ કાલ તા. ૧૭ના સાંજના પણ આટલી જ મહત્તમગતિ નોંધવામાં આવી હતી. આજ તા. ૧૮ના સવારના ૧૨.૧૫ વાગ્યે પવનની ગતિ વધીને ૨૪ કિલોમિટર પ્રતિ કલાકની રહી હતી.

જિલ્લામાં એક સ્થળે પવનની ગતિના કારણે એક કાચા મકાનને સામાન્ય નુકસાન થયું છે. સમગ્ર જિલ્લામાં ધાબડિયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ફોરા પડ્યા હોવાના અહેવાલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.