Western Times News

Gujarati News

તાઉ તે’ વાવાઝોડામાં અગમચેતીના પગલા લીધા હોઈ અમદાવાદ જિલ્લામાં પશુ મૃત્યુ નિવારી શકાયા

જિલ્લામાં માત્ર ૭ પશુ મૃત્યુ નોંધાયા – જિલ્લામાં પશુઓના રસીકરણની કામગીરી શરુ કરાઈ

‘તાઉ તે’ વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળી નાંખ્યા. વાવાઝોડાના પગલે ક્યાંક વ્યાપક તો ક્યાંક થોડુ નુક્શાન થયુ છે. અમદાવાદ જિલ્લામાં પણ આ જ પ્રકારે નુક્શાન થયું છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્રની અગમચેતીના પગલે નુક્શાનની વ્યાપકતા ઘટાડી શકાઈ છે. અમદાવાદ જિલ્લામાં આ વાવાઝોડા દરમ્યાન કુલ ૭ પશુ મૃત્યુ થયા છે.

જિલ્લા પશુપાલન અધિકારી શ્રી સુકેતુ ઉપાધ્યાયે જણાવ્યું છે કે , ક્યાંય એક પણ પશુનું મૃત્યુ થાય તે નિ:શક દૂ:ખદ છે, પરંતુ કૂદરતના આ વિકરાળ સ્વરૂપ સામે શક્ય એટલા અગમચેતીના પગલા લીધા હોઈ મિલ્કતોની સાથે પશુધનની ખુવારી પણ નિવારી શકાઈ છે.  જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન અને સુચના હેઠળ અગાઉથી જ પશુધનને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડા પૂર્વેજ ગ્રામ્ય કક્ષાએ પશુઓ માટે શું કાળજી લેવી…?, તલાટી અને ધૂધ મંડળીઓને પણ સચેત કરી ધ્યાન રાખવા જેવી બાબતોથી અવગત કરાયા હતા. પરિણામે વિરમગામમાં બિનવારસી એવા ૩, ધોળકા તાલુકામાં ૩ તથા ધંધુકા તાલુકામાં ૧ મળી કુલ ૭ પશુઓના મૃત્યુ નોંધાયા છે.
જિલ્લામાં કુલ ૧૫ પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ અને ૫૯ પશુધન નિરિક્ષકશ્રીઓના સમાવેશ સાથેની કુલ ૧૦ ટીમ બનાવીને સમગ્ર જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો છે. સાથે સાથે દરેક તાલુકામાં એક મદદનીશ પશુપાલન નિયામકશ્રી કક્ષાના લાયઝન અધિકારીની નિમણૂક કરી પશુઓના રસીકરણની કામગીરી શરુ કરવામાં આવી છે.

અત્રે ઉલીખનીય છે કે,  વાવાઝોડા પહેલા ધ્યાન રાખવા જેવી બાબતોથી લોકોને માધ્યમો દ્વારા અવગત કરાયા હતા.  પશુધન માટે સૂકા ઘાસચારા તથા સ્વચ્છ પાણીનો પુરવઠો યોગ્ય પ્રામાણમાં સંગ્રહ કરવા જણાવાયું હતું. સાથે સાથે વાવાઝોડા દરમ્યાન પશુઓને ખીલે ન બાંધવા, પશુઓને ઝાડ-છાપરા કે જર્જરિત મકાન કે દિવાલ નજીક ન રાખવા,  પશુઓને વીજળી થાંભલા સાથે કે પાસે ન બાંધવા અગાઉથી જ અવગત કરાયા હતા. એ જરીતે વાવાઝોડા બાદ ઈજાગ્રસ્ત પશુઓને નજીકના પશુ સારવાર કેન્દ્ર ખાતે તાતકાલિક સારવાર કરાવવા, ગામમાં રોગચાળા જેવી પરિસ્થિતી જણાય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા પણ પણ પશુપાલકોને સુચના અપાઈ હોવાનું શ્રી ઉપાધ્યાયે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.