Western Times News

Gujarati News

ભાવનગરના દરિયામાં પણ ચાંચિયાઓ ફરી રહ્યા છે

ભાવનગર મરીન પોલીસે હોડી-તાંબા પિત્તળના ભંગાર સહિત ૪.૪૬ લાખના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપી લીધા

ભાવનગર,  અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ માટે આવતા જહાજાેને દરિયાઈ ચાંચિયાનો સતત ડર રહેતો હોય છે. ભૂતકાળમાં અનેક જહાજાેને દરિયાઈ ચાંચિયાઓએ નિશાન બનાવી લૂંટ ચલાવતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
જહાજમાં થતી ચોરીની ઘટનાને રોકવા મરીન પોલીસ કાફલા દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે.

ત્યારે આવા જ એક જહાજમાં ચોરી કરી હોવાની ઘટના ધ્યાને આવતા ભાવનગર મરીન પોલીસ દરિયાઈ વિસ્તારમાં તપાસમાં લાગી ગઈ હતી. મરીન પોલીસને દરિયા કિનારા વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા ત્રણે ઈસમો મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

મરીન પોલીસને સરતાનપર ગામના દરિયા કિનારે કેટલાક શખ્સો હોડીમાં ભંગાર જેવી વસ્તુઓની હેરાફેરી કરી લાવતા હોવાની બાતમી મળી હતી. જેથી તેમણે તપાસ હાથ ધરી હતી. જેમાં દરિયા કિનારે તપાસ દરમ્યાન સરતાનપર ગામના દરિયા કિનારે હોડી ચેક કરતા એક હોડીમાથી તાંબા પિત્તળ, ઇલેક્ટ્રિક સ્વીચ અને વાયર સહિતનો ભંગાર મળી આવ્યો હતો.

હોડીમાં રહેલા ત્રણે ઈસમોની પૂછપરછ કરવામાં આવતા મુદ્દામાલ અંગે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા મરીન પોલીસે ત્રણે ઈસમોની ધરપકડ કરી હતી. હોડીમાં રહેલો મુદ્દામાલ ચોરી અથવા છળકપટથી મેળવેલો હોવાનું જણાઇ આવતાં પોલીસે હોડી અને તાંબા પિત્તળ સહિતના ૪ લાખ ૪૬ હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સાથે જ ત્રણે ઈસમો પરેશ વિનું બારૈયા, ભાવેશ રઘા વેગડ અને શંકર ધીરુ જાદવ (તમામ સરતાનપર રહેવાસી) વિરૂદ્ધ મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.