Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા

Files Photo

ભારતમાં ૫૪ દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા, એક્ટિવ કેસ પણ ૧૯ લાખની નીચે

નવી દિલ્હી: દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે કે ૫૪ દિવસ બાદ ભારતમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં સંક્રમિત થનારા લોકો અને મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત કોવિડ-૧૯ એક્ટિવ કેસ પણ ૧૯ લાખથી નીચે છે. દેશમાં સંક્રમિત થનારા લોકોની તુલનામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસોમાં ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત દેશનો રિકવરી રેટ ૯૨.૧ ટકા પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧,૨૭,૫૧૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨,૭૯૫ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૮૧,૭૫,૦૪૪ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૧,૬૦,૪૬,૬૩૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૫૯ લાખ ૪૭ હજાર ૬૨૯ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૫૫,૨૮૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૮,૯૫,૫૨૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૩૧,૮૯૫ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૩૧ મે સુધીમાં ભારતમાં કુલ ૩૪,૬૭,૯૨,૨૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સોમવારના ૨૪ કલાકમાં ૧૯,૨૫,૩૭૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬૮૧ કેસ નોંધાયા છે,

જેની સામે ૪૭૨૧ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૮ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૮૩૩ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૪.૭૯ ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ ૩૨૩૪૫ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૪૯૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૩૧૮૪૯ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૭૬૬૯૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં ૨૭૦ સુરતમાં ૨૧૭, વડોદરામાં ૩૨૭, રાજકોટમાં ૧૩૭, જૂનાગઢમાં ૮૮, પોરબંદરમાં ૭૧, ગીર સોમનાથમાં ૪૫, નવસારીમાં ૪૪, જામનગરમાં ૬૫, ભરુચમાં ૪૧, આણંદમાં ૩૬, પંચમહાલમાં ૩૪, ખેડામાં ૩૩, વલસાડમાં ૩૨, બનાસકાંઠા, કચ્છમાં ૩૦-૩૦ સહિત કુલ ૧૬૮૧ કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.