Western Times News

Gujarati News

સિદ્ધપુર, બીલિયા અને નેદ્રાથી ત્રણ બોગસ તબીબો ઝડપાયા

Files Photo

પાટણ, સિદ્ધપુર શહેર અને તાલુકાના બિલિયા અને નેદ્રા ગામેથી સિદ્ધપુર પોલીસે ડીગ્રી વિનાના ત્રણ બોગસ તબીબોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાની બીજી લહેર બાદ પાટણ જિલ્લામાં પોલીસે બોગસ ડોકટરો સામે તવાઈ બોલાવી છે.

રાધનપુરના ઓધવનગર, સરસ્વતીના ખલીપુર અને સમીના બાસ્પા ગામેથી એસ.ઓ.જી. પોલીસે પાંચ દિવસમાં ત્રણ બોગસ ઉંટવૈદ્ય પકડયા બાદ સોમવારે સિદ્ધપુર પોલીસે સિદ્ધપુર શહેર, નેદ્રા અને બીલીયા ગામેથી વધુ ત્રણ બોગસ તબીબોને એલોપેથિક દવાઓ સાથે પકડી લીધા હતા. આ નકલી ડોકટરો માત્ર ધો.૧૦ અને ૧ર સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં તેઓ દર્દીઓને એલોપેથિક દવા આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા છતાં આરોગ્ય તંત્ર કેમ ચૂપ હતું તેવા સવાલો ઉભા થયા છે.

સિદ્ધપુર પંથકમાંથી સોમવારે પી.આઈ. ચિરાગ ગોસાઈ અને તેમની ટીમે મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતા ત્રણ બોગસ ડોકટરો પકડી લીધા હતા. જેમાં સિદ્ધપુર શહેરમાંથી હિતેન્દ્ર દશરથભાઈ ચૌહાણને પકડી લીધો હતો તેણે ધો.૧ર સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં બીમાર લોકોને તપાસી અનુમાન આધારે એલોપેથિક દવા અને ઈન્જેકશન આપી બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

જયારે બીલીયા ગામેથી ખુશાલ સોમાભાઈ પ્રજાપતિને પકડી લીધો હતો તે પણ ધો.૧૦ પાસ હોવા છતાં મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર પ્રેક્ટિસ કરતો હતો. જયારે નેદ્રા ગામેથી વસંતકુમાર રામબાબુ ગુપ્તાને પકડી લીધો હતો તે પણ માત્ર ધો.૧ર પાસ હોવા છતાં મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો.

આ ત્રણે બોગસ ડોકટર પાસેથી પોલીસે ઈન્જેકશન, ગોળીઓ, બોટલો, સ્ટેથોસ્કોપ સહિત મેડિકલના સાધનો અને એલોપેથિક દવાઓનો રૂા.૩૪૩૪૮નો જથ્થો જપ્ત કર્યો હતો તેમની સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેવુ સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.