Western Times News

Gujarati News

ટેક્ષ-પેનલ્ટી લેવા હોય તો સારા રસ્તા આપોઃ ભાજપ કોર્પોરેટરની રજુઆત

 

સ્માર્ટસીટીના વિરાટનગર વોર્ડમાં પાણીના નેટવર્ક નથી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને નાગરીકો પાસેથી પેનલ્ટી અને ટેક્ષ લેવામાં જ રસ છે જયારે પ્રજાકીય કામોમાં લેશમાત્ર રસ નથી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના સભ્ય દ્વારા આ મતલબની ફરીયાદ કરવામાં આવી હતી. જેનો જવાબ આપવામાં કમીશ્નરે લેશમાત્ર રસ દાખવ્યો ન હતો. મ્યુનિ.કમીશ્નરના અધ્યક્ષસ્થાને મળતી વીકલી રીવ્યુ મીટીંગમાં જેટ ની કામગીરી વધુ સઘન બનાવવા અને દંડની મોટાપાયે વસુલાત કરવા પર ભાર મુકવામાં આવ્યો હોવાની વિગતો ચર્ચામાં છે.

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરીકો પાસેથી ટેક્ષ લેવામાં આવે છે તેમજ છેલ્લા ત્રણ મહીનાથી શરૂ કરવામાં આવેલ “જેટ” દ્વારા વિવિધ પ્રકારના ગુનાઓ ગણાવીને મોટી પેનલ્ટી પણ વસુલ કરવામાં આવે છે. પરંતુ તેની સામે નાગરીકોને તૂટેલા રોડ,ડહોળા પાણી અને બંધ સ્ટ્રીટલાઈટોના સ્વરૂપે સેવાઓ મળે છે. નાગરીકો આ મુદ્દે ચુંટાયેલી પાંખ સમક્ષ ફરીયાદો કરે છે. અને કયારેક રોષ પણ વ્યકત કરે છે. સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં ભાજપના સભ્ય દ્વારા આ પ્રકારની રજુઆત કરવામાં આવી હતી.

જેનો સંતોષકારક જવાબ આપવાના બદલે કમીશ્નરે ફરીયાદનો છેદ ઉડાવ્યો હતો. નોધનીય બાબત હતી કે સભ્યની રજુઆતનો જવાબ આપવામાં આવ્યો ન હતો. તેમ છતાં સ્ટેન્ડીંગ ચેરમેને મૌન રહેવાનું પસંદ કર્યું હતું. શહેરમાં જે સ્થળે મેટ્રોના કામ ચાલી રહયા છે. તે સ્થળે રોડ-રસ્તા તૂટી ગયા છે. જયારે સાઈટ પર વરસાદી પાણી ભરાય છે.  તથા મચ્છરોના બ્રીડીંગ પણ મળી આવ્યા હોવાની રજુઆત ખાડીયાના કોર્પોરેટર ભાવનાબેન નાયકે કરી હતી.

શહેરમાં સામાન્ય વરસાદમાં રોડના ધોવાણની પ્રક્રિયા નિરંતર ચાલી રહી છે. ર૦૧૭ની સાલમાં ૧૩૦ જેટલા રોડ તૂટયા હતા. હાઈકોર્ટમાં જાહેરહીની અરજી થયા બાદ તંત્ર જાગૃત થયું હતું. તથા તૂટેલા રોડ જે તે કોન્ટ્રાકટરો ના ખર્ચે અને જાખમે કરાવવાની જાહેરાતો કરી હતી. ર૦૧૭માં “ડીફેકટ લાયેબીલીટી”માં હોવા છતાં કોન્ટ્રાકટરો દ્વારા રીસરફેલ કરવામાં આવ્યા ન હતા.

જેના કારણે મનપા દ્વારા ચાર કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટ કરવામાં આવ્યા હતા.  ચાલુ વર્ષે પણ ર૦૧૭નું પુનરાવર્તન થયું છે. તેથી તૂટેલા રોડ ની જવાબદારી કોની છે ? તેની યાદી તૈયાર કરી નવરાત્રી પહેલા રોડ-રસ્તા રીપેર કરવામાં આવે તેવી તાકીદ કમીટી સભ્ય જતીનભાઈ પટેલે કરી હતી. નારણપુરા વિસ્તારમાં રન્નાપાર્ક થઈ ઘાટલોડીયા સુધી એક વર્ષ પહેલા જ મોડેલ રોડ બનાવવામાં આવ્યો છે જે હાલ તૂટી ગયો છે. જેના માટે રોડ-પ્રોજેકટના અધિકારીઓને પણ કમીટીમાં આડા હાથે લીધા હતા.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ વિરાટનગર વોર્ડની કેટલીક ચાલીઓમાં પાણીના નેટવર્ક નથી. બાપુનગરમાં પાણીની નવી ટાંકી તૈયાર થઈ રહી છે. તેમાંથી આ ચાલીઓમાં નેટવર્ક આપવા માટે વિચારણા થઈ શકે છે. થલતેજ વોર્ડની ટી.પી. સ્કીમ-રપના ફાઈનલ પ્લોટને રપ૧માં મ્યુનિ. શાળા બનાવવા માટે રજૂઆત થઈ છે.

પરંતુ ડ્રાફટ ટી.પી. હોવાથી આ બાબતે હાલ કોઈ નિર્ણય કરવો શકય નથી. ચોમાસાની સીઝન દરમ્યાન મચ્છરોના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા માટે આઈ.આર.સ્પ્રેના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. શહેરની સવા બે લાખ મિલ્કતોમાં સ્પ્રે કામગીરી કરવામાં આવશે. કોન્ટ્રાકટરોએ ઘર દીઠ રૂ.૩પ ના ભાવ આપ્યા હતા. અંતે ઘરદીઠ રૂ.રરના ભાવથી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીની બેઠક અગાઉ કમીશ્નરના અધ્યક્ષસ્થાને વીકલી રીવ્યુ મીટીંગ મળી હતી. જેમાં “જેટ”ને ફરી એક વખત વધુ સક્રિય કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેટ દ્વારા ઝોન દીઠ સરેરાશ રૂ.૪૦ હજાર પેનલ્ટીની વસુલાત થાય છે. જે રૂ.એક લાખ સુધી કરવા તથા દૈનિક ઓછામાં ઓછી ૧૦૦ ફરીયાદોની રસીદ કરવા માટે કમીશ્નરે તાકીદ કરી હતી.

જેટની રીક્ષાને કોઈ એક જ રસ્તા પર સતત પાંચથી છ દિવસ પેટ્રોલીંગ કરવા તથા ફુટપાથ પર થતા દબાણ આડેધડ થતા પાર્કીગ સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.  પ્લાસ્ટીક પ્રતિબંધનો અસરકારક અમલ કરાવવામાં સોલીડ વેસ્ટ વિભાગ નિષ્ફળ સાબિત થયો છે. તેથી “જેટ”ને પ્લાસ્ટીક પ્રતિબંધની કામગીરી કરવા માટે ખાસ સુચના આપવામાં આવી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.