Western Times News

Gujarati News

મોલને ગ્રાહક પાસે કેરી બેગના ૧૦ રૂપિયા લેવાનું મોંઘુ પડ્યું

File

બ્રાન્ડ ફેક્ટરીને ગ્રાહકને ૧૫૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

અમદાવાદ: ગ્રાહક કોર્ટે શ્યામલ ચાર રસ્તા પર આવેલી મલ્ટીબ્રાન્ડ ક્લોથિંગ રિટેઈલર તેવી બ્રાન્ડ ફેક્ટરીને ગ્રાહકને ૧૫૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ગ્રાહકે સ્ટોર દ્વારા કેરી બેગના ૧૦ રૂપિયા વસૂલવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

અમદાવાદ (ગ્રામીણ)ના ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ગયા અઠવાડિયે બ્રાન્ડ ફેક્ટરીને શાહીબાગમાં રહેતા મૌલિન ફડિયા નામના ગ્રાહકને ૮ ટકાના વ્યાજ સાથે ૧૦ રૂપિયા ચૂકવવાનું પણ કહ્યું હતું. ફડિયાએ ૧૦ રૂપિયાની કેરી બેગના વેચાણ સામે વાંધો વ્યક્ત કરતાં સ્ટોર પર દાવો માંડ્યો હતો.

બેગ રંગીન કાગળમાંથી બનાવવામાં આવી હતી અને તેના પર સ્ટોરની તમામ બ્રાન્ચના નામ છાપેલા હતા. કેસની વિગતવાર વાત કરીએ તો, ફાડિયા ૧૦ મે, ૨૦૧૯ના રોજ શોપિંગ માટે ગયો હતો અને ૨,૪૮૬ રૂપિયાની કિંમતની કેટલીક વસ્તુઓ ખરીદી હતી.

તે પોતાની સાથે કેરી બેગ ન લઈ ગયો હોવાથી, સ્ટોરે તેને કેરી બેગ આપી હતી. પરંતુ આ માટે ૧૦ રૂપિયા લીધા હતા. ફાડિયાએ આ સામે વાંધો ઉઠાવ્યો હતો. બાદમાં તે મુદ્દાને ગ્રાહક કોર્ટમાં લઈ ગયો હતો અને વળતર તેમજ દંડનો દાવો કર્યો હતો. કન્ઝ્‌યૂમર કમિશનની સામે, સ્ટોરના વકીલે રજૂઆત કરી હતી કે,

ડેસ્ક તેમજ કેશ કાઉન્ટર પર સ્પષ્ટ સૂચના આપવામાં આવી હોય છે કે, જે ગ્રાહકો કેરી બેગ ન ખરીદવા માગતા હોય તેઓ પોતાના ઘરેથી લઈને આવી શકે છે. ગ્રાહકોને કેરી બેગ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું નથી. સ્ટોર ક્યારેય કેરી બેગ ફ્રીમાં આપતો નથી. પ્લાસ્ટિક બેગ પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોવાથી, પેપર બેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ફડિયાના વકીલે દલીલ કરી હતી કે જ્યારે ગ્રાહકે સ્ટોરની મુલાકાત લીધી ત્યારે આવી કોઈ પણ સૂચના જાેઈ નહોતી. બની શકે કે, નોટિસ બોર્ડ બાદમાં બચાવ માટે મૂકવામાં આવ્યું હોય.

કન્ઝ્‌યૂમર કમિશન ફાડિયાની દલીલ સાથે સંમત થયું હતું. એવું હંમેશાં થતું નથી કે ગ્રાહકો જ્યારે ખરીદી કરવા જતા હોય ત્યારે બેગ લઈને જતા હોય. ‘તેથી, અમારું માનવું છે કે ગ્રાહકને ફ્રીમાં કેરી બેગ આપવી જાેઈએ’, તેમ કમિશને જણાવ્યું હતું.
કેસની સુનાવણી બાદ, કમિશને બેગના ૧૦ રૂપિયા પરત આપવા માટે કહ્યું હતું. આ સિવાય બ્રાન્ડ ફેક્ટરીને માનસિક ત્રાસ બદલ ફાડિયાને ૧ હજાર રૂપિયા તેમજ કાયદાકીય ખર્ચ માટે ૫૦૦ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.