Western Times News

Gujarati News

કોંગ્રેસ ૭ જુલાઈથી ગુજરાતમાં જન ચેતના અભિયાન ચલાવશે

અમદાવાદ: વધતી મોંઘવારી તેમજ આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલ સામાન્ય જનતાનો અવાજ બુલંદ કરવાના વચન સાથે કોંગ્રેસ ૭ જુલાઈથી (આજથી) જનચેતના અભિયાન શરૂ કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં છે અને ભાજપ વર્ષોથી સત્તામાં છે. કોરોના મહામારીથી લઈને મોંઘવારી, બેરોજગારી તેમજ તોફાન અને કુદરતી આફતો વગેરે મુદ્દાઓ પર સવાલોમાં ઘેરાયેલી ભાજપ સરકાર માટે હવે કોંગ્રેસનુ જનચેતના અભિયાન ભારે પડવાના અણસાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ આ અંગે એલાન કરી દીધુ છે.

અમિત ચાવડાએ કહ્યુ કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ રાજ્યભરમાં ૭ જુલાઈ, બુધવારથી જનચેતના અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન ૧૭ જુલાઈ સુધી ચાલશે. આ અભિયાનમાં કોંગ્રેસના કાર્યકર્તા અને નેતા રાજ્યમાં વ્યાપેલ મંદી તેમજ મોંઘવારી જેવા મુદ્દાઓને ઉઠાવશે. તેમણે કહ્યુ કે જન ચેતના અભિયાન દ્વારા સામાન્ય જનતાનો સંપર્ક કરવામાં આવશે. ચાવડાએ વધુમાં જણાવ્યુ કે, ‘હવે પેટ્રોલ અને ડીઝલ, ગેસના દરોમાં વધારાના વિરોધમાં રેલીઓ અને કાર્યક્રમો કરવામાં આવશે. સાઈકલ યાત્રા પણ કાઢવામાં આવશે. આ ઉપરાંત અમે પેટ્રોલના ભાવના વધારાના વિરોધમાં પેટ્રોલ પંપો પર હસ્તાક્ષર અભિયાન પણ ચલાવીશુ.’

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષે કહ્યુ, ‘ભાજપ સરકારે કોરોના મહામારીના સમયમાં પણ જનતાને ખૂબ દુઃખ પહોંચાડ્યુ. સરકારની ખોટી નીતિઓના કારણે વધુ મોત થયા. લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા. હવે લોકોની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે પરંતુ ભાજપ અને તેના સત્તાધારી લોકો મોટા ઉત્સવ અને રાજકીય એજન્ડામાં મસ્ત છે. અમે આનો વિરોધ કરીશુ. તેમણે એ માનવુ જ પડશે કે મંદી-મોંઘવારી અને મહામારીથી જનતા ખૂબ જ પરેશાન છે અને તેના માટે આ સરકારની નીતિઓ જ જવાબદાર છે.’ ૭ જુલાઈથી શરૂ થઈ રહેલા જનચેતના અભિયાનમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા, ધારાસભ્ય, બધા સંગઠન અને તાલુકા અને શહેરના પદાધિકારીઓ ભાગ લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.