Western Times News

Gujarati News

કારે એક્ટિવાને ઉડાવતાં ભાઈ-બહેનનાં મોત થયાં

નવસારી: ખેરગામ વલસાડ રોડ ઉપર વાવ ફાટકના વળાંક પાસે ખેરગામ તરફ આવી રહેલી એક્ટિવાને વલસાડ તરફ જઈ રહેલી એક મારુતિ બલેનો કારના ચાલકે પુરઝડપે ટક્કર મારતા એક્ટિવા પર સવાર ૨૦ વર્ષીય યુવાન અને ૨૨ વર્ષીય બહેનનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.

ખેરગામ વેણ ફળિયા ખાતે સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ રાવજીભાઈ પટેલ જેમણે પોતાની ૨૨ વર્ષીય દીકરી ભૂમિકાના લગ્ન તાજેતરમાં જ બે મહિના પૂર્વે ઓઝર ગામે તાડ ફળિયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલ સાથે કર્યા હતા. બુધવારે ભૂમિકા તેના સાસરેથી પોતાના પિયર ખેરગામ ખાતે રહેવા માટે આવી હતી. બુધવાર સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ ભૂમિકા તેના નાના ભાઈ ભાવિન નરેશ પટેલ ઉ.વ. ૨૦ સાથે તેમની એક્ટિવા મોપેડ ઉફર ખેરગામ જવા માટે નીકળ્યા હતા.

દરમિયાન તેઓ વાવ ફાટકના વળાંક પાસે પહોંચતા સામેથી પુરઝડપે આવી રહેલી એક મારૂતિ બલેનો કારના ચાલકે તેમની એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ઉપર સવાર બંને ભાઈ-બહેન રસ્તાની બાજુમાં ફંગોળાઈ ગયા હતા. ઘટના બાદ તરત જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેમજ ખેરગામ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારબાદ બંનેને ખેરગામની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

લોકોએ બલેનો કાર ચાલકને ઝડપી પાડે તે પહેલા જ પોલીસ ત્યાં પહોંચી કાર ચાલકને ઝડપી પોલીસ મથકે લઈ જવાયો હતો.
ખેરગામ ટાઉન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગુણવંતભાઈ પાટીલે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સાથે પહોંચી ગયા હતા. પરંતુ અકસ્માતમાં ભાવિન અને ભૂમિકા બંને ભાઈ-બહેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તેમજ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે કારના ચાલકને ઘટના સ્થળેથી ઝડપી લઈ પોલીસ મેથકે લઇ જવાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.