Western Times News

Gujarati News

દુનિયામાં ભૂખમરાથી સૌથી વધુ  પીડિત 60 ટકા લોકો મહિલાઓ અને છોકરીઓ છે

Files Photo

આઈઆઈએચએમઆર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝે ધ નવી દિલ્હીની ધ કોઅલિશન ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સીક્યોરિટી, નવી દિલ્હીના ટેકા સાથે મહિલા સશક્તિકરણઃ માતા અને બાળકના પોષણ પર અસર પર બીજા રાષ્ટ્રીય સંમલેનનું આયોજન કર્યું

વિકાસશીલ દુનિયામાં કૃષિ શ્રમશક્તિમાં મહિલાઓની ભાગીદારી 43 ટકા

ભારતમાં ઠીંગણાપણા માટે સૌથી વધુ જોખમકારક પરિબળ છે – માતાઓની નિરક્ષરતા પોષણ અને મહિલા સશક્તિકરણ વચ્ચે સીધો સંબંધ છે

જયપુર, ઉચ્ચ શિક્ષણ, તાલીમ, સંશોધનમાં અગ્રણી તથા જાહેર આરોગ્ય ક્ષેત્રનું કેન્દ્ર આઈઆઈએચએમઆર યુનિવર્સિટીએ ધ કોઅલિશન ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સીક્યોરિટી, નવી દિલ્હીની મદદ સાથે વિમેન એમ્પાવરમેન્ટ –ઇમ્પેક્ટ ઓન મેટરનલ એન્ડ ચાઇલ્ડ ન્યૂટ્રિશન પર બીજી બીજી નેશનલ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

આ કોન્ક્લેવમાં ‘કોવિડ પછી વિકાસ વ્યવસ્થાપન વ્યવસાયિકો માટે પડકારો અને તકો’ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ બીજા રાષ્ટ્રીય સંમેલનનો ઉદ્દેશ કોવિડ-19ને કારણે દેશમાં આર્થિક વિકાસ અને રાજકીય પડકારો સામે ઊભા થયેલા પડકારો તથા એને નિયંત્રણ મેળવવાની વ્યૂહરચનાનો સમજવાનો, મહામારીને કારણે ઊભી થયેલી વિવિધ તકોને લઈને ઉમેદવારોના વિકાસ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ વચ્ચે જાગૃતિ લાવવાનો,

ભવિષ્યના રોડમેપ પર ચર્ચા વિચારણા કરવા મેનેજમેન્ટના વ્યવસાયિકોને માતા અને બાળકના પોષણ તથા છેવટે મહિલા સશક્તિકરણના વિશેષ સંદર્ભમાં મહામારીથી ઊભા થયેલા પડકારોનો સામનો કરવા કેવી રીતે તૈયાર હોવા જોઈએ એ વિશે માર્ગદર્શન આપવાનો હતો.

પેનલમાં વિશિષ્ટ વક્તા તરીકે નવી દિલ્હી સ્થિત પબ્લિક હેલ્થ ન્યૂટ્રિશન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સ્થાપક ડૉ. શીલા વીર, નવી દિલ્હી સ્થિત ધ કોઅલિશન ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સીક્યોરિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સુજીત રંજન, સ્વિડનની કેર ઇન્ટરનેશનલના પૂર્વ સીનિયર જેન્ડર ઇક્વિટી એન્ડ ડાઇવર્સિટી ડાયરેક્ટર સુશ્રી માધુરી નારાયણન અને આઇઆઇએમ ઇન્દોરના ફેકલ્ટી ડો. ભવાની શંકર સરિપલ્લી સામેલ હતા.

આ સંમેલનમાં આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. ગૌતમ સાધુએ કહ્યું હતું કે, “મહિલા સશક્તિકરણઃ માતા અને બાળકના પોષણ પર અસર પર આયોજિત બીજું રાષ્ટ્રીય સંમેલન એની સાથે સંબંધિત પડકારો તથા આ પડકારોને કેવી રીતે ઝીલવા એ સમજવા માટે આયોજિત થયું છે. ભારતમાં માતાના નબળા પોષણ માટે વિવિધ કારણો જવાબદાર છે –

જેમ કે, પોષક દ્રવ્યોનું અપર્યાપ્ત સેવન, વહેલાસર અને અવારનવાર ગર્ભાવસ્થા, ગરીબી, જાતિગત ભેદભાવ અને લિંગ અસમાનતા. જ્યારે સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન કુપોષણ જોવામાં આવે છે, ત્યારે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આ સમસ્યા સૌથી વધારે જોવામાં આવે છે. પોષણ સંબંધિત સમસ્યાઓ, ખાસ કરીને પ્રોટિન-ઊર્જા કુપોષણ, એનિમિયા, વિટામિન એની ઊણપ – મોટી સંખ્યામાં ભારતીય બાળકોમાં જોવા મળે છે.

ભારતમાં બાળકોના આહાર અને પોષણની સ્થિતિ સંતોષજનક હોવાથી ઘણી દૂર છે.” તેમણે ઉમેર્યુ હતું કે, “મહિલાઓની પોષણ સંબંધિત સ્થિતિ અને ગર્ભાવસ્થા દરમિયાન શિશુ અને નાના બાળકોને સ્તનપાન (આઈઆઈએફસી)ની પ્રથા, બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓના આહારનું સેવન અને ઉપલબ્ધતા, સુરક્ષિત, સ્વચ્છ પીવાનું પાણી, સ્વચ્છતા અને સુવિધાઓની સ્થિતિ – ભારતમાં બાળકોની પોષણની સ્થિતિમાં સુધારો કરતા એવા પરિબળો છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે.”

મહિલાઓના સશક્તિકરણ, મહિલાઓના પોષણ અને બાળકોના ઠીંગણાપણાની સમસ્યા પર નવી દિલ્હીની સંસ્થા પબ્લિક હેલ્થ ન્યૂટ્રિશન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સ્થાપક ડાયરેક્ટર ડૉ. શીલા સી વીરે કહ્યું હતું કે, “મહિલા સશક્તિકરણ અને મહિલાઓના પોષણ વચ્ચે ગાઢ સંબંધ છે, જે મહિલાઓના પોષણ અને બાળકોના પોષણ પર અસર પણ કરે છે.

હાલની સ્થિતિ અભ્યાસ થયા છે અને આગળ જતાં મહિલા સશક્તિકરણથી બાળકની સારસંભાળ પર અસર પર ઘણાં અભ્યાસો થશે. આ અભ્યાસોમાં જાણકારી મળી છે કે, પોષણની નબળી અસરોથી માતાના મૃત્યુદરની સાથે બાળપણમાં ઠીંગણાપણા જેવી અસર થાય છે. ગરીબ મહિલાઓ પાસે સંસાધનો ઓછા હોય છે.

બાળપણમાં ઓછું પોષણ વિકાસ પર પ્રતિકૂળ અસર કરે છે અને સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણાપણાનું કારણ બને છે. મહિલાઓનું નબળું પોષણ ભ્રૂણના વિકાસમાં અવરોધ પેદા કરે છે, જે ઓછા જન્મદરનું કારણ બને છે અને ઠીંગણાપણાનું જોખમ વધારે છે. જન્મદરમાં સુધારો થવાથી બીએમઆઈમાં સુધારો થાય છે.

બાળકોમાં કુપોષણની સમસ્યાનું નિવારણ તેમની ઊંચાઈ ઓછી રહેવાની સમસ્યા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. માતાની ઊંચાઈમાં 1 સેમીનો વધારો ઓછું વજન અને કદ ધરાવતા બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. બાલ્યાવસ્થામાં કુપોષણ કિશારોવસ્થાના વિકાસ પર અસર કરે છે, આગળ જતાં માતૃપોષણ અને જન્મ સમયે બાળકને વજન પર પણ અસર કરે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે મહિલાઓનું સશક્તિકરણ થશે, ત્યારે તેઓ વિવિધ સકારાત્મક પરિબળો તરફ દોરી જશે, જેમ કે સારું પોષણ, પર્યાપ્ત ઊર્જા અને ગર્ભાવસ્થા દરમિયાન સંસાધનો, જેનાથી જન્મ સમયે તંદુરસ્ત બાળકનો જન્મ થશે. જ્યારે મહિલાઓ સશક્ત થાય છે, ત્યારે તેઓ બાળકની સારસંભાળ રાખવાની વધારે સારી પદ્ધતિઓથી વાકેફ હશે.

વળી તેમની નિર્ણય લેવાની શક્તિ વધશે, જે બાળકના સ્તનપાનની વધારી સારી રીતો તરફ દોરી જશે. એટલે પોષણ અને મહિલા સશક્તિકરણ વચ્ચે સીધો સંબંધ છે.” ડૉ. વીરે ભારત, બાંગ્લાદેશ અને નેપાળમાં બાળકોમાં ઠીંગણાપણાની સમસ્યા સાથે સંબંધિત ઊંચું જોખમ ધરાવતા પરિબળો વિશે કહ્યું હતું કે, “ભારતમાં સૌથી વધારે જોખમકારક પરિબળ માતાઓની નિરક્ષરતા છે.

મહિલાઓ કે માતાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જરૂરી વિવિધ પાસાઓમાં આ એક મહત્વપૂર્ણ પાસું છે. બાંગ્લાદેશમાં ઠીંગણાપણા માટે જોખમકારક પરિબળો છે – પારિવારિક હિંસા, માધ્યમિક શિક્ષણનો અભાવ, નિર્ણય લેવાની ઓછી ક્ષમતા. નેપાળમાં આ સમસ્યા માટે ખુલ્લામાં મળોત્સર્જન, એએનસી મુલાકાતોનો અભાવ વગેરે જેવા પરિબળો જવાબદાર છે.

મહિલાઓને તેમની સુવિધાઓ, સ્વાસ્થ્ય સેવાઓ, માતૃત્વ સુરક્ષા, સ્વચ્છ પાણી, સ્વચ્છતા તથા સમય અને ઊર્જાની બચત કરતા ઉપકરણોના અધિકારો વિશે સારી રીતે જાણકારી આપીને સશક્તિ કરવી જોઈએ. તેમની પાસે સ્વતંત્ર બેંક ખાતા હોવા જોઈએ અને ટેકનોલોજી સુધી તેમની પહોંચ હોવી જોઈએ. દક્ષિણ એશિયામાં સૌથી મજબૂત બાળપોષણ પર સકારાત્મક અસરના પરિણામો મળ્યાં છે.”

નવી દિલ્હીની ધ કોઅલિશન ઓફ ફૂડ એન્ડ ન્યૂટ્રિશન સીક્યોરિટીની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. સુજીત રંજને કોવિડ-19 મહામારીની સ્થિતિમાં માતા અને બાળકના પોષણમાં એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠનના પડકારો અને ભૂમિકા પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠનોની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે.

હાલ નકારાત્મકતા વચ્ચે પણ વિકાસ સંગઠનોએ આગામી વર્ષોમાં આશાનું કિરણ જોયું છે. મહામારી સરકારી-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપીને, ડેટા સંસ્કૃતિને આગળ વધારીને, સિંગલ-વિન્ડો સિસ્ટમના માધ્યમથી સંપૂર્ણ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં સુધારો કરવાની એક તક છે, જેમાં  સેવાઓ સૌથી નબળા લોકો સુધી પહોંચી શકે છે.

સામુદાયિક સ્તરે સ્વાસ્થ્ય અને પોષણનું ધ્યાન રાખવું તથા ખાનગી આરોગ્ય સેવા પ્રદાતાઓને સામેલ કરીને ક્ષમતાનિર્માણ કરીને સમુદાયને પ્રેરિત અને સામેલ કરી શકાય છે. એમાં થોડા અવરોધો છે, જેમાં કુશળ માનવ સંસાધનોની ઊણપ, ટેકનિકલ હસ્તક્ષેપોને સ્વીકાર કરવાની અનિચ્છા, નીતિનિર્માતાઓને સમજવામાં મુશ્કેલી, પોષણ માટે સમર્પિત નાણાકીય પોષણની ઊણપ, સુરક્ષા સુનિશ્ચિત કરવી અને સેવા પ્રદાતાઓ માટે સાવચેતીના પગલાં તથા સમુદાયની દૂરસ્થ પહોંચ, વિશ્વસનિય અને ગુણવત્તાયુક્ત ડેટાનો અભાવ, વિદેશી ફંડ મેળવવામાં મુશ્કેલી ઊભી કરનાર એફસીઆરએ માટે નવા માપદંડ વગેરે સામેલ છે.”

ડૉ. રંજને આગળ સંકેત આપ્યો હતો કે, ભારતે કુપોષણમાંથી બહાર નીકળવા જે ઝડપથી પ્રક્રિયા હાથ ધરી છે એમાં પીછહટ કરવાનું જોખમ ન લઈ શકે. મહામારીથી ઊભા થયેલા મુદ્દા અને પડકારોનું સંપૂર્ણપણે સમાધાન એકલા હાથે સરકાર ન કરી શકે. તમામનો સાથસહકાર જરૂરી છે. કુપોષણના પડકાર સામે આપણે ઝઝૂમી રહ્યાં છીએ, જેમાં મહામારીએ વધારો કર્યો છે. પોષણ અને કોવિડ-19 મોટો પડકાર છે. 17 એસડીજીમાં કુપોષણ એક મહત્વપૂર્ણ સંકેત છે અને એને એક સમસ્યા સ્વરૂપે ઓળખવામાં આવ્યો છે.

સ્વીડનની કેર ઇન્ટરનેશનલના પૂર્વ સીનિયર જેન્ડર ઇક્વિટી એન્ડ ડાઇવર્સિટી એડવાઇઝર સુશ્રી માધુરી નારાયણને ખાદ્ય સુરક્ષા અને શ્રેષ્ઠ પોષણ (એસડીજી 2) સુનિશ્ચિત કરવા માટે લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણ (એસડીજી5) પ્રાપ્ત કરવાના મહત્વને સમજવા પર વાત કરીને કહ્યું હતું કે, “ખાદ્ય અને પોષણ સુરક્ષા પરસ્પર જોડાયેલી છે, જે બંને હાંસલ કરવાનું હાર્દ છે –  મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતા. વિકાસશીલ દેશોમાં મહિલાઓ કૃષિ શ્રમશક્તિનો 43 ટકા હિસ્સો ધરાવે છે.

એશિયા અને સબ-સહારા આફ્રિકી દેશોમાં મહિલાઓની ભાગીદારી 50 ટકા સુધી વધી રહી છે. ગરીબી અને ખાદ્ય પોષણ અસુરક્ષાનું મુખ્ય કારણ લિંગ આધારિત ભેદભાવ કે મહિલાઓના માનવાધિકારોનો ઇનકાર છે. તેઓ ખાદ્ય ઉત્પાદકો, કુદરતી સંસાધનોની વ્યવસ્થાપકો અને આવક પેદા કરનારી – એમ વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.

ઉપરોક્ત તમામ પાસાઓ છતાં દુનિયામાં ગંભીર ભૂખમરાથી પીડિત લોકોમાં 60 ટકા મહિલાઓ અને છોકરીઓ છે. મહિલાઓ પાસે પોતાની જમીન સુધી પહોંચ કે સ્વતંત્રતા નથી. એનો આધાર પરિવાર સાથે મહિલાઓના સંબંધ પર છે. સામાજિક ભાગીદારી તેમને સંબંધો બદલવામાં મદદ કરતી નથી. મહિલાઓને સમાન અધિકારો આપવામાં આવ્યાં નથી, તેમને સામૂહિક ભેદભાવોનો સામનો કરવો પડે છે, સમૂહની વાત કરીએ તો તેમને બહિષ્કારનો ભોગ બનવું પડે છે. સામાજિક અસર પેદા કરતી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે.”

આઇઆઇએમ-ઇન્દોરના ફેકલ્ટી ડૉ. ભવાની શંકર સરિપલ્લીએ ભવિષ્યના રોડમેપ અને વ્યૂહરચના પર વાત કરી હતી કે, કેવી રીતે મેનેજમેન્ટ વ્યાવસાયિકોએ કોવિડ-19 મહામારી તથા માતા અને બાળકના પોષણના વિશેષ સંદર્ભમાં પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેમણે ત્રણ મોડલ પર ચર્ચા કરી હતી, જેમાં મોડલ-1 સરકારી પહેલ, મોડલ 2- કોર્પોરેટ પહેલ અને મોડલ 3-એનજીઓની પહેલ સામેલ છે.

તેમણે કહ્યું હતું કે, “પડકારો અને તકોની સાથે સાથે માતા અને બાળકના પોષણને પ્રોત્સાહન આપવા માટે મોડલની વાત કરીએ તો એનએફએચએસ 2020ના રિપોર્ટ અનુસાર 2015-16 અને 2019-20 વચ્ચે 22 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળકોમાં કુપોષણમાં ઘણો વધારો થયો છે. યુનિસેફ 2019ની રિપોર્ટ અનુસાર, 5 વર્ષથી ઓછી વયના લગભગ 50 ટકા બાળકોમાં તેમના ઉંમરની સરખામણીમાં બહુ નીચા કે નબળાં (પાતળાં) છે.

લાન્સેટ 2019ની રિપોર્ટ અનુસાર, આશ્ચર્યજનક રીતે 68 ટકા એટલે 5 વર્ષથી ઓછી વયના 1.04 મિલિયન બાળકોના મૃત્યુ કુપોષણથી થયા હતા. ખાદ્ય અને પોષણ સુરક્ષા વિશ્લેષણ 2019 અનુસાર, દેશમાં ગરીબી અને કુપોષણનું અંતર પેઢી દર પેઢી જોવામાં આવે છે, જેમાં કોરોના લોકડાઉને વધારો કર્યો છે.

પોષણ 2.0, આંગણવાડી સેવાઓ, પૂરક પોષણ કાર્યક્રમ, કિશોર યુવતીઓ માટે પોષણ અભિયાન યોજના જેવી વિવિધ સરકારી પહેલોએ દેશમાં સ્વાસ્થ્ય, કલ્યાણ તથા રોગ અને કુપોષણ પ્રત્યે પ્રતિરોધકક્ષમતાનું પોષણ કરતી વિકાસશીલ પ્રથાઓ પર નવી રીતે ધ્યાન આપવાની સાથે પોષણ સામગ્રી, વિતરણ, આઉટરિચ, પરિણામને મજબૂત કરી છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “ખેલાડીઓ, ક્ષેત્રો અને વિકાસ માટેના પરિબળો, મોડલ 1: પોષણ અભિયાન, બેટી પઢાઓ, બેટી બચાઓ અભિયાન જેવા સરકારના અભિયાનો, મોડલ 2:13 રાજ્યોમાં 48 લાખથી વધારે વ્યક્તિઓને આવરી લેતી ટાટા ટ્રસ્ટ કોર્પોરેટ પહેલ જેવી સીએસઆર પહેલો વગેરેએ એકદિશામાં સમન્વય સાધીને કામ કરવાનું જરૂરી છે. આ પહેલો નીતિ સમર્થન માટે માળખાગત સુવિધાઓ, ડેટા અને સલાહકાર સેવાઓનું પણ સમર્થન કરે છે.

ટ્રસ્ટ સાઇટ ક્ષેત્રોનું પુનર્નિરીક્ષણ કરી શકે છે અને પોષણની સ્થિતિનો અભ્યાસ કરી શકે છે. સ્થાનિક સમૂહો / વ્યવસ્થાઓ ઊભી કરી શકે છે, જે પોષણના મહત્વ વિશે જાગૃતિ ફેલાવશે અને યોજનાના સતત અધિગ્રહણ માટે એક સ્થાનિક એજન્સીઓને યોજના સુપરત કરવા માટે એક ઇકોસિસ્ટમ ઊભી કરશે.

ત્રીજું મોડલ એક વ્યક્તિ કે એક બિનસરકારી સંસ્થાનું નેતૃત્વ ધરાવતી પહેલ છે, જેમાં સંગઠન બિયારણ બેંક સ્થાપિત કરવા, મહિલાઓને અધિકાર પ્રદાન કરવા, સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને કામગીરી શરૂ કરવા પર ભાર મૂકે છે.”

ડો. ભવાની શંકર સરિપલ્લીએ વધુમાં જાણકારી આપી હતી કે, નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2021-22 માટે 2.74 અબજ ડોલરનું અંદાજિત બજેટ ફાળવ્યું છે, તો નાણાકીય વર્ષ 2020-21માં 2.58 અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. વિલયની યોજનાઓના મુખ્ય પડકારો ખર્ચના વધારે સારા સંસાધનો સ્વરૂપે જોવા મળી શકે છે.

કોવિડ-19 પોતાની વ્યાપકતાને કારણે પોષણના પ્રયાસો પર ભારે પડ્યો છે તથા સ્વાસ્થ્ય અને પોષણ સેવાઓમાં સુધારો કરવા માટે મહત્વપૂર્ણ બજેટની જરૂર છે.

સંમેલનમાં દેશવિદેશના સહભાગીઓ સામેલ થયા હતા, જેમાં વિકાસ વ્યવસ્થાપક, કાર્યક્રમના નેતા, જાહેર આરોગ્ય અને વિકાસ વ્યવસાયિકો, નાગરિક સમાજ સંગઠન, સીએસઆર, શિક્ષાવિદ વગેરે સામેલ હતા. સંમેલનનું સંચાલન સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝના પ્રોફેસર ડો. ગૌતમ સાધુએ કર્યું હતું તથા જયપુરની આઈઆઈએચએમઆર યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડેવપમેન્ટ સ્ટડીઝના ડીન પ્રોફેસર રાહુલ ધાઈએ કી-નોટ સ્પીચ આપી હતી.

પ્રોફેસર રાહુલ ધાઈએ વિશિષ્ટ વક્તાઓની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, “સ્કૂલ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ કલ્યાણના વિશાળ દાયરામાં સ્વાસ્થ્યની પરિભાષા અને અનુભવને વ્યાપક બનાવવાનો પ્રયાસ કરે છે. એસડીએસના વિકાસ મુદ્દાઓ પર અદ્યતન સંશોધન તથા ભારત અને વિદેશોમાં કાર્યરત નાગરિક સમાજ સંગઠનો અને વિકાસ સંસ્થાઓ (સરકારી, સીએસઆર અને બહુપક્ષીય સંસ્થાઓ)ના વધતા નેટવર્ક વચ્ચે એક સેતુ સ્વરૂપે કામ કરવા માટે બનાવવામાં આવી હતી.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.