Western Times News

Gujarati News

અમદાવાદ સહિત ૩ જિલ્લામાં ગુજકેટમાં અંગ્રેજીનો ક્રેઝ

અમદાવાદ, પોતાના સંતાનને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવાનો ક્રેઝ વાલીઓમાં હંમેશાથી રહ્યો છે. અમદાવાદમાં પણ વર્ષોથી વાલીઓમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવાનો શોખ રહ્યો છે અને વાતનો પુરાવો આંકડા આપે છે. ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પર નજર કરીએ તો અમદાવાદ શહેર, વડોદરા અને ભૂજમાં અંગ્રેજી માધ્યમના વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.

સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમના ૮૦ હજાર વિદ્યાર્થીઓ સામે અંગ્રેજી માધ્યમના ૩૫ હજાર વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. પરંતુ ત્રણ જિલ્લાઓમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ઊડીને આંખે વળગે તેવી છે. ગુજકેટ માટે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે બોર્ડે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાંથી ૧,૧૭,૩૧૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતી માધ્યમના સૌથી વધુ ૮૦,૬૭૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ૩૫,૫૭૧ અને હિન્દી માધ્યમના ૧૦૭૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, કુલ વિદ્યાર્થીઓ પૈકી ૬૯% વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના નોંધાયા છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ૩૦% અને હિન્દી માધ્યમના ૧% વિદ્યાર્થીઓ છે.

મોટાભાગના જિલ્લાઓમાં ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ વધુ હોય તે સ્વાભાવિક છે. પરંતુ અમદાવાદ શહેર, વડોદરા અને ભૂજ જેવા જિલ્લામાં ઈંગ્લિશ મીડિયમનો ક્રેઝ જાેવા મળ્યો છે. આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

આ ત્રણ જિલ્લાને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જ વધુ નોંધાયેલા હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે. અમદાવાદ શહેરમાંથી કુલ ૯,૭૫૩ વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા ચે.

જેમાંથી ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની લંખ્યા ૫,૭૫૨ છે. હિન્દી માધ્યમના ૫૧૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, અમદાવાદમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમ કરતાં ૨,૨૬૧ વધુ છે. અમદાવાદમાં અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ ટકાવારી ૫૯% છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી ૩૬% છે અને હિન્દી માધ્યમમાં ૫% વિદ્યાર્થીઓ નોંધાયા છે.

અમદાવાદ શહેર બાદ બીજા ક્રમે વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં ગુજકેટ માટે કુલ ૭,૨૬૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૨,૮૮૦ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ૪,૩૪૯ છે. હિન્દી મીડિયમમાં ૩૬ વિદ્યાર્થી નોંધાયા છે.

આમ, વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમ કરતાં ૧,૪૬૯ વધુ છે. વડોદરામાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્તીઓની ટકાવારી ૬૦ ટકા છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી ૩૯ ટકા છે. જ્યારે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ ૦.૫ ટકા છે. આ ઉપરાંત ભૂજમાં પણ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ છે.

ભૂજમાં ગુજકેટ માટે કુલ ૧,૪૮૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જે પૈકી ગુજરાતી મીડિયમના ૬૯૮ અને અંગ્રેજી મીડિયમના ૭૮૪ વિદ્યાર્થીઓ છે. હિન્દી મીડિયમના માત્ર ૪ વિદ્યાર્થીઓ છે. આમ, ભૂજમાં અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી મીડિયમ કરતાં ૮૬ વધુ છે. આમ, આ ત્રણેય જિલ્લામાં અંગ્રેજી મીડિયમનો ક્રેઝ હોવાનું આંકડા પરથી જણાવી આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.