Western Times News

Gujarati News

અમદાવાદમાં : ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારી, કિશોરનું સારવાર દરમિયાન મોત

અમદાવાદ: અમદાવાદના બાવળામાં હાઇવે ઉપર આવેલા પુલ ઉપરથી બાઈક પસાર થઈ રહી હતી ત્યારે પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બાઇક ઉપર સવાર અમિત શૈલેષભાઈ ખરડિયા નામના કિશોરને મોટી ઇજા થતાં અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, પણ સારવાર દરમિયાન તેનું મોત થતાં બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ કરૂણાંતિકાનો એક વીડિયો સામે આવ્યો છે. વિચલિત કરી શકે એવા આ વીડિયોમાં મૃતક કિશોર અસહ્ય પીડાથી કણસતો ‘બચાવો બચાવો, મને અહીંથી કાઢો’ની બૂમો પાડતો રહ્યો હતો.

બાવળામાં રામદેવપીર મંદિરની બાજુમાં ડરણ રોડ પર રહેતા ગણેશભાઇ મંગાભાઇ બરડિયા ( મરવા ) બપોરના ત્રણ વાગ્યે બજારમાં કામ માટે જવાનું હોવાથી હાર્દિકભાઈ વાઘેલાનું બાઈક નંબર જી.જે. ૩૮.એ.ઇ. ૪૫૭૧ લઇને જવા નીકળતાં બાજુમાં રહેતા તેમના કુટુંબી કાકા શૈલેષભાઇ ગોકાભાઇનો દીકરો અમિત (ઉં.વ. ૧૫) બાઈક પાછળ બેસી ગયો હતો.

બાઈક રામદેવપીરના મંદિરથી હાઇવે રોડ ઉપર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા નંબર પ્લેટ વગરના ડમ્પરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી પાછળથી એને જાેરદાર ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા.

અમિત હાઇવે પર પડી જતાં ડમ્પરના ટાયર નીચે બંને પગ આવી જતાં ખૂબ લોહી નીકળવા લાગ્યું હતું.

ડમ્પરચાલક ડમ્પર મૂકીને ભાગી ગયો હતો, જેથી માણસો અને પોલીસ આવી જતાં ડમ્પરને ધકકો મારીને દૂર સુધી લઈ ગયા હતા અને કોઈએ ૧૦૮ની ઈમર્જન્સી સેવાને ફોન કરતાં બાવળાની ૧૦૮ના પાયલોટ અનિરુદ્ધસિહ અને ઇએમટી રવી લાલકિયા તરત જ ઘટનાસ્થળે પહોંચી જઈને કિશોરને સારવાર માટે બાવળા સરકારી દવાખાને લઇ ગયા હતા.

ત્યાં તેની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે અમદાવાદ ઝાયડસ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર દરમિયાન તેનું મોત થતાં બાવળા પોલીસમાં ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી.

બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશનું પી.એમ.કરાવી કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાએ નાસી છૂટેલા ડમ્પરચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા-સાણંદ હાઇવે પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ૧૫ વર્ષીય કિશોર ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો. ટાયર નીચે આવી જતાં આસપાસથી લોકોનાં ટોળાં એકઠા થયા હતા. તેના કમરથી નીચેનો ભાગ એકદમ છુંદાઇ ગયો હતો. ૧૦૮ સ્થળ પર પહોંચી ગઇ હતી. ત્યાંથી તેને બાવળા સરકારી દવાખાને લઇ જવાયો હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર અપાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.