Western Times News

Gujarati News

લાંભા-વટવામાં સ્ટ્રોમ વોટર લાઈનના કામ શરૂ કરવા મ્યુનિ.કમીશ્નરનો આદેશ

વીકલી રીવ્યુ બેઠકમાં સીટી ઈજનેર અને ત્રણ ઝોનના એડીશનલને કમીશ્નરે આડા હાથે લીધા હોવાની ચર્ચા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ :  સ્માર્ટસીટી અમદાવાદના વિકાસ નકશામાંથી વટવા અને લાંભા વોર્ડની બાદબાકી કરવામાં આવી હોય તે રીતે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ કામ કરી રહયા છે. લાંભા વોર્ડ માટે ર૦૧૮-૧૯ના વર્ષમાં રૂ.૭૦ કરોડની જાગવાઈ કરવામાં આવી હતી પરંતુતે પેટે કેટલી રકમ ખર્ચ થઈ તે બાબત અધ્યાહાર છે. વટવા અને લાંભા વોર્ડના નાગરીકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહયા છે. આ બંને વોર્ડમાં પ્રદુષિત પાણીની સમસ્યા ચરમસીમાએ છે તેવી જ રીતે કેમીકલયુકત પાણીની સમસ્યા પણ વકરી રહી છે.

ચોમાસાની સીઝનમાં ડ્રેનેજ બેક મારવી તથા વરસાદી પાણીનો ભરાવો થયો સામાન્ય બાબત બની ગયા છે. લાંભા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષથી નવા રોડ તૈયાર નથી. ડ્રેનેજ ના નેટવર્ક અને સ્ટ્રોમ લાઈન માટે અધિકારીઓ પાસે ચોકકસ નીતિ નથી. દાણીલીમડા અને નારોલ વિસ્તારના ટેક્ષટાઈલ્સ યુનિટો દ્વારા ડ્રેનેજ લાઈનો તથા પમ્પીંગ સ્ટેશનોમાં ગેરકાયદે જાડાણ કરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દે વકીલી રીવ્યુ મીટીંગમાં દક્ષિણઝોનના ડે. મ્યુનિ. કમીશ્નર એડી.ઈજનેર અને સીટી ઈજનેર ને કમીશ્નરે આડા હાથે લીધા હતા.

મ્યુનિ. કોર્પોરેશનના પૂર્વ તથા ઉત્તરઝોનમાં પણ સમાન સમસ્યાઓ જાવા મળે છે. તેથી આ બંને ઝોનના એડીશનલની સાથે-સાથે સીટી ઈજનેર સામે પણ લાલ આંખ કરવામાં આવી હોવાની વિગતો ચર્ચામાં છે. શહેરના છેવાડે આવેલા વટવા અને લાંભા વોર્ડમાં પ્રજાકીય કામો પ્રત્યે મનપા ઉદાસીન છે. મ્યુનિ. હદમાં વટવા વોર્ડનો ૧૯૮૬ તથા લાંભા વોર્ડનો ર૦૦૬ની સાલમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમ છતાં વિકાસની દ્રષ્ટિએ આ બંને વોર્ડ “પછાત” છે. મ્યુનિ. શાસકો ની પ્રાયોરીટી લીસ્ટમાંથી આ બંને વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો જ નથી. જેનું મુખ્ય કારણ આ બંને વોર્ડમાં ભાજપનું ૧૦૦ ટકા પ્રભુત્વ રહયું નથી.

નવા સીમાંકન બાદ વટવા વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે. અન્યથા કોંગ્રેસના ફાળે એકાદ-બે બેઠક આવતી હતી. લાંભા વોર્ડમાં પણ સમાન પરિસ્થિતિ છે.  ર૦૧૦ની ચુંટણીમાં લાંભા વોર્ડમાં કોગ્રેસનો દબદબો રહયો હતો. તથા ભાજપના ફાળે એક પણ બેઠક આવી ન હતી. જયારે ર૦૧પ માં ભાજપની પેનલ તૂટી છે. આમ આ બંને વોર્ડમાં રાજકીય વર્ચસ્વ ઓછું હોવાના કારણે પણ સત્તાધીશોને પ્રજાકીય કામો કરવામાં આછો રસ રહયો છે.

ર૦૧૮-૧૯ ના બજેટમાં લાંભા વોર્ડ માટે રૂ.૭૦ કરોડની જાગવાઈકરી હોવાની બડાશો હાંકવામાં આવતી હતી. પરંતુ તે પૈકી કેટલી રકમ પ્રજાકીય કામો માટે ખર્ચ થઈ તે બાબત જાહેર થઈ નથી. લાંભા વોર્ડમાં પાણી અને ડ્રેનેજ નેટવર્ક નો અભાવ છે.

લાંભા વોર્ડના પૂર્વપટ્ટા (ન્યુ નારોલ) માં ડ્રેનેજ નેટવર્ક ઉપલબ્ધ છે. પરંતુ પમ્પીંગ સ્ટેશનની તકલીફ છે. આ વિસ્તારમાં વટવા અને ન્યુ નારોલ વચ્ચે એક માત્ર નવાણા પમ્પીંગ સ્ટેશન છે. જેમાં ક્ષમતા કરતા વધુ નેટવર્ક હોવાથી ગટરો બેક મારવાની સમસ્યા કાયમી બની ગઈ છે. વટવા વોર્ડમાં આ સમસ્યાથી કોર્પોરેટરો પણ ત્રાહીમામ થઈ ગયા છે.

વટવા અને લાંભા વોર્ડમાં ડ્રેનેજની સમસ્યા હળવી થતી નથી. તેમજ સ્ટ્રોમ વોટર લાઈન માટે શાસકો અને અધિકારીઓ છેલ્લા દોઢ વર્ષથી વાયદા કરી રહયા છે. લાંભા વોર્ડના ન્યુ નારોલ વિસ્તારમાં સ્ટ્રોમ લાઈનના ટેન્ડર લગભગ દસ મહીના પહેલા મંજૂર થઈ ગયા છે. પરંતુ સીટી ઈજનેર, ડ્રેનેજ વિભાગના એડીશનલ તથા ઝોનના એડીશનલ વચ્ચે “કોમ્યુનીકેશન ગેપ” હોવાના કારણે ટેન્ડર-મંજૂરી બાદ કામ આગળ વધ્યું જ નથી. જેના પરીણામે આ વિસ્તાર માત્ર અડધા ઈંચ વરસાદમાં પણ જળબંબાકાર થઈ જાય છે.

દક્ષિણઝોનના લાંભા અને વટવા વોર્ડની દુર્દશા બદલ મ્યુનિ. કમીશ્નરે ઝોનના એડીશનલ તથા સીટી ઈજનેરનો ઉધડો લીધો હતો. સીટી ઈજનેર પેકેજ અને પ્લાન તૈયાર હોવાનું જણાવી લુલો બચાવ કરવા પ્રયાસ કરતા કમીશ્નર અકળાયા હતા. તથા પેકેજ અને પ્લાનની વાતો કર્યા સિવાય કામ કરવા પર ધ્યાન આપો. આ બંને વોર્ડમાં ડ્રેનેજ નેટવર્ક અને સ્ટ્રોમ લાઈનના કામ ઝડપથી શરૂ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.  સાથે-સાથે ઈસ્ટર્ન ટ્રેક લાઈનના કામ માટે પણ સીટી ઈજનેર પર કમીશ્નર કોપાયમાન થયા હતા.

દક્ષિણઝોનના બહેરામપુરા, અને નારોલ અને દાણીલીમડા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટેક્ષટાઈલ યુનીટો છે. આ યુનિટો દ્વારા પાણીનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે. તેનો જવાબ ઝોનના ડે.મ્યુનિ. કમીશ્નર, એડી.ઈજનેર તથા સીટી ઈજનેર પાસે માંગ્યા હતા. ડે. મ્યુનિ. કમીશ્નરે (ઈન્ચાર્જ) ચાલુ લાઈનમાં કેવી રીતે તપાસ થાય તેવો જવાબ આપ્યો હતો. મ્યુનિ. કમીશ્નરે આ મામલે યોગ્ય પેપરવર્ક કરવા ડે.કમીશ્નરને સલાહ આપી હતી.

સીટી ઈજનેરને લાઈનો ચોક-અપ થવાના ખોટા કારણો ન આપવા પણ સુચન કર્ય હતા. ઉત્તરઝોન તથા પૂર્વઝોન માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી રહી છે. તેથી આ બંને ઝોનના એડી.ઈજનેરોને પણ ફીલ્ડવર્ક કરવા તથા સ્ટ્રોમ લાઈનના કામ કરવા માટે કમીશ્નરે તાકીદ કરી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.