Western Times News

Gujarati News

અમેરિકાના દુશ્મન દેશો તાલિબાનોના પડખે

તાલિબાનોએ હજુ સુધી તેમની રણનીતિ જાહેર નહી કરતા પાડોશી દેશોમાં અજંપાભરી સ્થિતિ: તુર્કી, રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન સહિતના દેશોએ ખુલ્લેઆમ તાલિબાનોને ટેકો જાહેર કર્યો:

અફઘાનિસ્તાનના નાગરિકોનો વિચાર કર્યા વગર અમેરિકા પલાયન થતા અનેક તર્ક વિતર્કો: આયોજન વગર અફઘાનિસ્તાન છોડી ગયેલા અમેરિકાએ તાલીબાનોને અત્યંત આધુનિક હથિયારો ભેટમાં આપ્યાઃ તાલીબાનો સામે વધી રહેલા વિરોધના કારણે આગામી દિવસોમાં ભારે ખુવારીની આશંકા

અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો ખાત્મો બોલાવવા માટે અમેરિકાએ પોતાના સૈન્યને મોકલ્યુ હતું અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ભીષણ આંતકી હુમલા બાદ આંતકવાદને ડામી દેવા અમેરિકાએ ખાસ ઝુંબેશ શરૂ કરી હતી અમેરિકન સૈન્યએ અફઘાનિસ્તાનમાં તાલીબાનો સામે લડવા માટે અત્યંત આધુનિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો

પરંતુ ગેરીલા પધ્ધતિથી લડતા તાલીબાનોએ અમેરિકાના સંખ્યાબંધ સૈનિકોની હત્યા કરી હતી આ ઉપરાંત દિવસે ને દિવસે તાલીબાનો મજબુત બનતા જતા હતાં અમેરિકન સૈન્યએ તાલીબાનોની સામે લડવા માટે અફઘાનના યુવાનોને તાલીમ આપી હતી અને તેઓને અત્યંત આધુનિક હથિયારો સાથે લડવા માટે તાલીમ પણ આપી હતી

પરંતુ અમેરિકામાં સત્તા પરિવર્તન થતાં બાયડનના આવ્યા બાદ અચાનક જ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના લશ્કરને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવામાં આવતા ભારે અરાજર્કતાનો માહોલ સર્જાયો છે અફઘાનિસ્તાનમાં તાલીબાનો સામેના જંગમાં અમેરિકાના સંખ્યાબંધ સૈનિકો માર્યા ગયા હતાં અને આર્થિક ક્ષેત્રે પણ અમેરિકાને મોટુ નુકસાન થઈ રહયું હતું જેના પગલે બાયડને લશ્કરને પરત બોલાવી લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

અમેરિકન લશ્કર પરત ફરતા જ તાલીબાનોએ અફઘાનિસ્તાનના એક પછી એક રાજયો પર કબજાે જમાવવાનું શરૂ કર્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે કોઈપણ જાતના રક્તપાત વગર તાલીબાને ખુબ જ આયોજનબદ્ધ રીતે અફઘાનિસ્તાન પર કબજાે જમાવી દીધો છે

આજે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું શાસન જાેવા મળી રહયુ છે આ તમામ ગતિવિધિમાં ચોંકાવનારા સમીકરણો બહાર આવવા લાગ્યા છે. અમેરિકાના દુશ્મન દેશો ગણાતા રશિયા, ચીન, ઈરાન, તુર્કી, પાકિસ્તાન સહિતના દેશોએ તાલીબાનોને ખુલ્લેઆમ ટેકો જાહેર કરી દીધો છે

એટલું જ નહી પરંતુ ભાવિ રણનીતિ ઘડવામાં પણ તાલીબાનો સાથે આ તમામ દેશના રાજકીય નેતાઓ અને રાજદુતો બેઠકો કરવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં હાલ ભારે અરાજકર્તાનો માહોલ જાેવા મળી રહયો છે. તાલીબાનો સામે વિરોધ પણ થવા લાગ્યો છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ કોઈ પણ જાતના આયોજન વગર પોતાના લશ્કરને પરત બોલાવી લેતા આજે તાલીબાનોને લોટરી લાગી ગઈ છે અમેરિકાએ તાલીબાનો સામે લડવા માટે આધુનિક હથિયારો તૈનાત કર્યા હતાં પરંતુ અમેરિકન લશ્કર આ તમામ હથિયારો તાલીબાનોના હાથમાં લાગી ગયા છે

જેના પરિણામે તાલીબાનના લડાકુઓના હાથમાં આ હથિયારો આવતા જ હવે તેઓ વધુ શક્તિશાળી બની ગયા છે અને આ તમામ શસ્ત્રો સાથે જ તેઓ અફઘાનિસ્તાનના રસ્તાઓ પર કુચ કરી રહયા છે અફઘાનિસ્તાનમાં તાલીબાનોએ આ હથિયારોથી સજ્જ લશ્કર બનાવી દીધુ છે.

અમેરિકાની આ ભુલના કારણે અફઘાનિસ્તાનના પાડોશી દેશો ફફડવા લાગ્યા છે તો બીજીબાજુ તાલીબાનો વધુ આક્રમક બનીને પોતાની ભાવિ રણનીતિ ઘડવામાં વ્યસ્ત બની ગયા છે તાલીબાનોના ખોફના કારણે સ્થાનિક નાગરિકો નાસભાગ કરી રહયા છે.

દેશ છોડવા માટે કાબુલના એરપોર્ટ પર હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડયા છે અને એરપોર્ટ પર કેટલાક કરૂણ દ્રશ્યો પણ સર્જાયા છે. સ્થાનિક નાગરિકો તાલીબાનોના શાસનમાં રહેવા માટે તૈયાર નથી જેના પરિણામે હવે તાલીબાનો સામે તેઓ વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે.

તાલીબાન શસ્ત્રોના જાેડે આ વિરોધ પ્રદર્શન દબાવી દેશે તેવુ મનાઈ રહયું છે પરંતુ ધીમે ધીમે વિરોધ ઉગ્ર બની રહયો છે. તાલીબાનોને પાકિસ્તાન, ચીન સહિતના દેશોએ ટેકો જાહેર કરી મદદની ખાતરી આપી છે પરંતુ આ તમામ બાબતો ભવિષ્યમાં કેટલી અસરકારક નીવડે છે તે જાેવાનું રહયું. તાલીબાનો અત્યારે સરકાર રચવામાં વ્યસ્ત છે એવી પણ વાત બહાર આવવા લાગી છે કે સત્તા માટે તાલીબાન નેતાઓમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો છે જાેકે હજુ સત્તાવાર માળખુ જાહેર કરવામાં આવ્યું નથી.

વિશ્વભરના દેશોમાં અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન બાદ એરપોર્ટ સહિતના દ્રશ્યો ટીવી પર લોકોએ નીહાળતા હવે તાલીબાનો પણ ડેમેજ કંટ્રોલ સીસ્ટમ લાગુ કરી રહયા છે તાલીબાની નેતાઓ સ્પષ્ટપણે કહી રહયા છે કે અમારાથી કોઈને ડરવાની જરૂર નથી,

અને તમામ નાગરિકોની સુરક્ષાની જવાબદારી સરકારની છે મહિલાઓએ પણ તાલીબાનોથી ડરવાની જરૂર નથી પરંતુ ભુતકાળના અનુભવના કારણે તાલીબાનથી સૌથી વધુ મહિલાઓ ડરી રહી છે અને તેઓ અફઘાનિસ્તાન છોડવા માટે અહી તહી ભટકતી જાેવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાંથી તાલીબાનો દ્વારા મહિલાઓના અપહરણની વિગતો બહાર આવવા લાગી છે આ પરિસ્થિતિમાં હવે અફઘાનિસ્તાનમાં તાલીબાનો કઈ રીતે શાસન કરે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આજે વિશ્વભરમાં અફઘાનિસ્તાન મુખ્ય કેન્દ્ર બની ગયું છે. અમેરિકા સહિતના દેશોએ તાલીબાનોને ચેતવણી આપી છે પરંતુ તેની કોઈ જ અસર જાેવા નહી મળે તેવું લાગી રહયું છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન ત્યાંની સ્ત્રીઓ માટે નરક કરતા પણ વધુ દર્દનાક છે જાે તાલિબાન એ જ નિયમો ફરી લાગુ પાડે જે વર્ષ ૧૯૯૬થી ર૦૦૧ના સમયે હતા તો સ્ત્રીઓની હાલત કફોડી બની જશે. અત્યારથી જ એવા અહેવાલો મળ્યા છે કે ત્યાં સ્ત્રીઓનું અપહરણ કરીને તેમને તાલિબાન સૈનિકો સાથે લગ્ન કરવા ફરજ પાડવામાં આવી રહી છે.

પુરુષોને તાલિબાન સૈન્યમાં જાેડવા માટે બળજબરી કરવામાં આવી રહી છે. ચીન અને રશિયા જેવા દેશોએ હજુ સુધી અફઘાનિસ્તાનમાં પોતાની એમ્બસી બંધ કરી નથી. આનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવો અર્થ થાય છે કે ચીન અને રશિયા તાલિબાનનું સમર્થન કરે છે. ચીને તો એવું કહી પણ દીધું કે તે તાલિબાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવા સજ્જ છે આથી ચીનને બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટમાં સીધો ફાયદો થાય છે. બીજી બાજુ, અન્ય પશ્ચિમી દેશો તાલિબાન સરકારને સ્વીકારવા તૈયાર નથી.

સ્વતંત્રતા કેવી હોવી જાેઈએ ? જયાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની છૂટ હોય. પરંતુ તાજેતરમાં પુરા વિશ્વને હચમચાવી દેનાર ઘટનાઓ થઈ રહી છે એ હવે જગજાહેર થયું છે કે અફઘાનિસ્તાન એક આતંકવાદી સંગઠનના કબજા હેઠળ છે. વધુમાં વિચિત્ર વાત એ છે કે અફઘાનિસ્તાનમાં હવે આ જ આતંકવાદીઓ સત્તા પર બેસશે !

અહીં બંદૂકધારી લડાકુઓ સરકારના વિવિધ વિભાગો સંભાળશે ! શું ખરેખર આવું શકય છે ? જયારે તાલિબાને પુરા અફઘાનિસ્તાન પર કબજાે મેળવી લીધો ત્યારે કાબુલ એરપોર્ટ જ એવી એક જગ્યા હતી જે લોકોને હેમખેમ દેશ છોડવાની તક આપે. પરંતુ અફઘાનિસ્તાનમાં બધી જ સિવિલ ફલાઈટસ રદ થઈ ગઈ.

લોકો હવે યુએસના એરફોર્સ વિમાન પર લટકીને પણ દેશ છોડવા તૈયાર હતા ! કેવો આતંક ! કેવો ભય ! માનવઅધિકારો વિશે તો ઉલ્લેખ પણ થઈ શકે નહીં ! અહીં તો જીવવું જ સૌથી મોટો પ્રશ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.