Western Times News

Gujarati News

જયાં પ્રેમ નહીં, ત્યાં લાગણી નહીં

અનુપમ કૃતિ છે ઈશની,
પરિભાષા છે સ્ત્રીની,
આજે પણ પુરુષ પ્રધાન હોય ભલે દેશ,
જાે એ સમજે પરિભાષા સ્ત્રીની લેશ,
હતી ઊક્તિ એવી ‘સ્ત્રીની બુધ્ધિતો પગની પાનીએ,
‘યત્ર નાર્યસ્તુ પુજયન્તે રમન્તે તત્ર દેવતાઃ ની ઉક્તિ પણ જાણીએ.
ફરજ નિભાવતા નથી એ,
એના હક્કની મોહતાજ,
એતો છે ભક્તિ-શક્તિ-યુક્તિના,
સંગમનો સિરતાજ,
કહેવાય છેકે, સ્ત્રી-પુરુષ,
એકબીજા વિના અધુરા,
સંગે બન્ને જાે સ્વપ્નિલ,
તો થાય સમર્થ સ્વપ્ન મધુરા
– શીતલ રાયસોની “સ્વપનીલ”

શીતલ રાયસોનીની આ રચના છે. સ્ત્રી સાહિત્યકારો ખૂબ જ ઓછા છે. સ્ત્રી પોતાની લાગણી બખૂબી વર્ણવી શકે છે. કલમની શક્તિ સાર્થક કરી શકે છે. શીતલ રાયસોની પણ એમાંના એક રચનાકાર ક્વયિત્રી છે કે જેઓ પોતાની રચના થકી ભાવકોના મન સુધી પહોંચ્યા છે. સરળ અને પ્રેમાળ એમનું વ્યક્તિત્વ છે. સાહિત્યના કામ માટે તેઓ હંમેશા તત્પર હોય છે. ૧૬-૪-૧૯૮પમાં મુંબઈમાં તેમનો જન્મ થયો હતો. દિવ્ય આનંદની શીતલ પળો એ તેમનો કાવ્ય સંગ્રહ છે. કૃષ્ણ તેમને આકર્ષે છે. ગીતા તેઓ વારંવાર વાંચે છે. પ.પુ. પાંડુરંગ શાસ્ત્રી તેમની પ્રેરણા આપી રહ્યા છે.

તેમની આ રચનામાં સ્ત્રીનું સન્માન કરવું જાેઈએ અને સ્ત્રી-પુરુષ એકબીજા વગર અધુરા છે એકબીજાના પ્રેમ અને સાથથી જ સંપૂર્ણ છે એવો ભાવ છે. આજે દરેક જગ્યાએ સ્ત્રીએ પોતાનું નામ કર્યું છે અને પોતાના પગ ઉપર ગર્વથી ઊભી છે.

સ્ત્રી ભક્તિ-શક્તિ-યુક્તિની સરતાજ છે. લાગણીથી છલોછલ છે. સાથે સાથે તેને પરેશાન કરવાવાળાને બરાબર પાઠ ભણાવી શકે એમ છે. તો તેમની શક્તિને લલકારવી નહીં. તેનું પ્રેમાળ વ્યક્તિત્વ પ્રેમથી જ નિખાર પામે છે.

હજારો મુશ્કેલી ખુશી ખુશી સહી જશે પણ તેના સન્માનના ભોગે કંઈ જ નહીં. હંમેશા સ્ત્રીનું સન્માન કરવું જાેઈએ. જીવનની હર પળે બધાની ખુશી માટે ખર્ચી નાખતી હોય છે તો એને બે પળની ખુશી આપીને એને માન અવશ્ય આપવુ જાેઈએ.

તકલીફ થાય છે એ જાણીને સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ એવું લોકો માને છે એ જાણીને, હજી પણ લોકો આવી વિચારધારા ધરાવે છે. સ્ત્રીને માત્ર જરુરિયાત પુરું કરવાનું સાધન માને છે. સ્ત્રીનું સ્થાન ફકત ઘર પુરતુ સીમિત છે એવું માની સ્ત્રીને ચાર દીવાલોમાં જકડી રાખે છે. સ્ત્રી ઘુંટાઈ જાય આવા વાતાવરણમાં.

ફુલને ખીલવા અનુકુળ વાતાવરણ જાેઈએ નહિંતર એ મુંઝાઈ જાય એમ જ સ્ત્રીને અનુકુળ વાતાવરણ ના મળે તો એ અંદરને અંદર ગુંગળાઈ જાય તમને એનો અહેસાસ સુધ્ધાના થાય, પણ, જાે એને માન સન્માન મળે તો એ ખૂબ જ ખુશીથી બધાને ખુશ કરી જીવન પ્રેમ અને ખુશીથી ભરી દે. એના લાગણીના ધોધમાં હંમેશા આપણે ભીંજાતા રહીએ, અને ઈશ્વર પણ ખુશ રહે. કેમકે…

“નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”
સ્ત્રીનું સન્માન કરવું જાેઈએ. સ્ત્રીને લક્ષ્મી કહેવાય છે. જે ઘરમાં એકલા પુરુષો જ હોય એ ઘરમાં જઈને જાેશો તો એ ચાર દીવાલમાં સમેટાયેલું ઘર હશે.

ઘરને ઘર સ્ત્રી બનાવે છે તો એને આદર આપીએ, એનું સન્માન કરીએ, જે ઘરમાં નારીનું પુજન થાય છે એ ઘરમાં દેવતાઓનો વાસ છે. સ્ત્રી પ્રેમથી ઘરને શણગારે છે. ઘરને મંદિર બનાવે છે. ઘરને પોતાનો ત્યાગ આપીને સીજાવે છે. પોતાનું બધું જ છોડીને પતિનું ઘર પોતાનું બનાવે છે. હસતા મોઢે ઘર પ્રેમનું મંદિર બનાવે છે.

આપણે આપણી એકપણ મનપસંદ વસ્તુ છોડી નથી શકતા જ્યારે પોતાનું બધુ જ છોડીને જે આવે છે એનો તિરસ્કાર ન કરીએ. પોતાના પિતાને મળવા જવા માટે પણ પતિની એ પરમીશન માગે છે. તેના પર ખુશી વરસાવીએ. બે પળ પ્રેમથી વિતાવીએ. બસ થોડું સ્વમાન આપીએ. બાકી કંઈ એને ન જાેઈએ.

સ્ત્રી વિનાની જિંદગીની કલ્પના તમે કરી છે ? જ્યાં પ્રેમ નહીં હોય, ત્યાં લાગણી નહીં હોય. ત્યાં હૂંફ નહીં હોય, ત્યાં સંવેદનશીલતા નહીં હોય, શું તમે આવા જગતની કલ્પના કરી છે? તમે આવા જગતમાં ખુશ રહી શકશો?. તમારી માં, બહેન-પત્ની વગર કેવી રીતે જીવશો એ વિચાૃયુ છે ? વિચારો આવી જિંદગી વિશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.