Western Times News

Gujarati News

સરકારી પ્રોજેક્ટમાં વિલંબ બદલ નરેન્દ્ર મોદી લાલચોળ

નવી દિલ્હી, સરકારી પ્રોજેક્ટોના સમયસર અમલની સમીક્ષા તેમજ પ્રો એક્ટિવ ગર્વનન્સની સમીક્ષા કરવા માટેની બેઠકમાં પીએમ મોદી ભારે લાલચોળ નજરે પડયા હતા.

સૂત્રોનુ કહેવુ છે કે, આઠ પ્રોજેકટમાં થઈ રહેલા વિલંબ બાદ પીએમ મોદીનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્‌યો હતો અને તેમણે હવે મંત્રીમંડળ સચિવ રાજીવ ગાબાને એવા અધિકારીઓ તેમજ એજન્સીઓનુ લિસ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે જેમના કારણે પ્રોજેક્ટો અપેક્ષા પ્રમાણે ઝડપથી આગળ વધી રહ્યા નથી.

પીએમ મોદીએ કહ્યુ છે કે, આવા અધિકારીઓનુ અલગ અલગ ડોઝિયર તૈયાર કરવામાં આવે અને દરેક પ્રોજેક્ટની લેટેસ્ટ જાણકારી મને આપવામાં આવે.પીએમ મોદીએ રાજ્યોના મુખ્ય સચિવોને પણ નિર્દેશ આપ્યો છે કે, રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવા માટેના કામમાં ઝડપ કરે જેથી દરેક બેડ પર ઓક્સિજનની સુવિધા મળી રહે.

સૂત્રોનુ કહેવુ છે કે, રેલવેની એક યોજના લાગુ કરવામાં થયેલા વિલંબના કારણે તેની પાછળ થનારો ખર્ચ ત્રણ ગણો થઈ ગયો છે. આ જ રીતે વેસ્ટર્ન ડેડિકેકેટ ફ્રેટ કોરિડોરનો પ્રોજેક્ટ પણ વિલંબમાં પડ્યો છે. જેના કારણે પીએમ મોદી વધારે રોષે ભરાયા હતા.

આ પહેલા પણ પીએમ મોદી સરકારી વિભાગોને પ્રોજેક્ટોમાં થતા વિલંબ માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે કહી ચુકયા છે. તેમને એ વાતની હંમેશા નારાજગી રહેતી હોય છે કે, પ્રોજેકટો અટકી જવાથી લોકોને સુવિધા મળતી નથી અને તેની પાછળનો ખર્ચ પણ વધી જતો હોય છે.

આ સપ્તાહે જ જાહેર થયેલા રિપોર્ટમાં કહેવાયુ છે કે, ૧૫૦ કરોડ કે તેનાથી વધારે ખર્ચની ૪૮૩ યોજનાઓમાં વિલંબના કારણે તેની પાછળ થનારા ખર્ચમાં ૪.૪૩ કરોડ રૂપિયાનો વધારો થઈ ચુકયો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી સરકારી અધિકારીઓ વધારે જવાબદાર બનીને કામ કરે તેવો આગ્રહ રાખ્યો છે.બેજવાબદાર અધિકારીઓને ફરજિયાત વહેલા નિવૃત્ત પણ કરવામાં આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૮૫ અધિકારીઓને સરકાર હટાવી ચુકી છે.

પીએમ મોદી સરકારી યોજનાઓના અમલની સમીક્ષા કરવા માટે દર મહિને બેઠક યોજે છે અને તેમાં યોજનાઓ કેટલે પહોંચી તેની ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.