Western Times News

Gujarati News

શિક્ષકદિને થોરડી ગામમાં શિક્ષકે શાળામાં જ કર્યો આપઘાત

પ્રતિકાત્મક

શિક્ષકે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી, દીકરીને વોટ્‌સએપ કરી હતીઃ ઘટનાથી આખા ગામમાં હાહાકાર

ગીર સોમનાથ,  પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન ગીર સોમનાથમાં એક શિક્ષકે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક દિવસે જ શિક્ષકે આપઘાત કરતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.

વળી આ શિક્ષકે સ્કૂલમાં જ આપઘાત કર્યો હતો. સાથે જ તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે અને તેમા ઉચ્ચ અધિકારીઓ પર આરોપ મુકવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી. પોલીસે શિક્ષક પાસેથી સુસાઈડ નોટ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ગીર ગઢડાના હરમડીયા ગામે એક શિક્ષક રહેતા હતા. થોરડી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ઘનશ્યામ અમરેલીયા શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમણે શિક્ષક દિવસે જ સ્કૂલની ઓફિસમાં જ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલાં શિક્ષકે એક સુસાઈડ નોટ પણ લખી હતી અને તેમાં ઉચ્ચ અધિકારીઓ પર કેટલાંક આક્ષેપ કરવામાં આવ્યા છે.

મૃતક શિક્ષકની દીકરીએ જણાવ્યું કે, છેલ્લાં ૧૫-૨૦ દિવસથી તેઓ ડિપ્રેસનમાં હોય એવું લાગી રહ્યું હતું. તેઓ એકલા રહેવાનું જ પસંદ કરતા હતા. તેઓએ આપઘાત પહેલાં સુસાઈડ નોટ લખી હતી અને તે સુસાઈડ નોટ મને વોટ્‌સએપ કરી હતી. તો ગીર ગઢડાના હરમાડીયા ગામના સ્થાનિકોનું કહેવું છે કે, શિક્ષક દિને જ શિક્ષકે સ્કૂલમાં આપઘાત કરી લેતા આખા ગામમાં હાહાકાર મચી ગયો હતો.

આપઘાતની ઘટના બાદ ગામના લોકો દોડી આવ્યા હતા. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સુસાઈડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડ્યો હતો. મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો છે

એનું સ્પષ્ટ કારણ જાણવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ મળી આવેલી સુસાઈડ નોટ મૃતકે જ લખી છે કે નહીં પણ જાણવા તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં આ મામલે વધુ ખુલાસો થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.