Western Times News

Gujarati News

કોર કમિટીમાં ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશુ: ચુડાસમા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસો ઘટી ગયા છે. ફરીથી જિંદગી પૂર્વવત થઈ રહી છે. ત્યારે હવે ધોરણ ૧ થી ૫ની પ્રાથમિક શાળા શરૂ કરવા પર શિક્ષણ પ્રધાનએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે, ‘કોર કમિટી અને આરોગ્ય વિભાગની બેઠક તેમજ શિક્ષણવિદોની સલાહ બાદ અમે યોગ્ય ર્નિણય કરીશું.

પહેલાં કોલેજ બાદમાં ધોરણ ૧૦થી ૧૨ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં હતાં તેમજ ગત અઠવાડીયામાં ધોરણ ૬, ૭ અને ૮ના વર્ગો ખોલવામાં પણ સફળ રહ્યાં છીએ. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલી રહ્યાં છે તો બીજી તરફ શિક્ષકો પણ ઉત્સાહથી ભણાવી રહ્યાં છે. ત્યારે આગામી તબક્કામાં કોર કમિટીમાં ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા અંગે વિચાર કરીશું. એ માટે આરોગ્ય અને શિક્ષણવિદોની સલાહ પણ લઈશું.’

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ધોરણ ૬થી ૮ના વર્ગો તો ૨જી સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ૫૦ ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરી દેવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તદુપરાંત ધોરણ ૯થી ૧૨ના વર્ગો પણ શરૂ છે.

જાે કે, શાળામાં ચુસ્તપણે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળામાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનો આદેશ અપાયો છે તેમજ સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે હવે રાજ્ય સરકારે ધોરણ ૧થી ૫ની પ્રાથમિક શાળા શરૂ કરવા અંગે પણ મહત્વનું નિવેદન આપ્યું છે.

આ સિવાય રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજાેમાં વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરાશે. ૧૮ વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સહિતના સ્ટાફ અને તેમનાં પરિવારજનો પણ આ કેમ્પમાં રસી મેળવી શકશે. તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકારની કોર કમિટીની બેઠકમાં આ અંગે ર્નિણય લેવાયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.