Western Times News

Gujarati News

ગોમતીપુરમાં ગટરનાં પાણીની સમસ્યા થતાં રહીશોએ ડોલ ભરી ગંદુ પાણી સીટી એન્જીનિયરની ઓફીસમાં નાંખ્યુ

ઘણી રજુઆતો છતાં અધિકારીઓ કોઈ નિરાકરણ લાવતા નથી તેવી બુમો પાડી

(પ્રતિનિધિા અમદાવાદ, ગોમતીપુરમાં આવેલી મોહન દલપતની ચાલીમાં કેટલાંક દિવસોથી ગટરો ભરાઈ જતા તેના પાણીને કારણે ગંદકી ફેલાઈ હતી. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં નિરાકરણ ન આવવાનો આક્ષેપ કરી ત્રણ રહીશોએ ગટરના પાણી ભરેલી ડોલો ગોમતીપુર સબ ઝોનલમાં આવેલી એન્જીનિયરની ઓફીસમાં નાંખી દીધુ હતું જેને પગલે આસીસ્ટન્ટ સીટી એન્જીનિયરે પોલીસ ફરીયાદ કરી છે.

શહેરના ગોમતીપુરમાં આવેલી મોહન દલપતની ચાલીમાં ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા હતી જેને પગલે જયેશભાઈ પરમાર, જયપ્રકાશ નાથુજી ટાંક અને પવન સામરીયા (ત્રણેય રહે. ગોમતીપુર) સોમવારે સવારે આસીસ્ટન્ટ સીટી એન્જીનીયર જીતેન્દ્રભાઈ ડાભીને ફોન કરીને ક્યાં છો તેવુ પુછયું હતું જેથી તેમણે પોતે ગોમતીપુરમાં આવેલી સબ ઝોનલ ઓફીસ ખાતે હોવાનું કહયુ હતું આશરે દસ વાગ્યાના સુમારે ત્રણેય ગટરના પાણીની ડોલ ભરીને સબ ઝોનલ ઓફીસે પહોચ્યા હતા અને રજુઆત કરવા છતાં કેમ ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવતા નથી તેવી બુમો પાડી હતી.

આ દરમિયાન જયેશભાઈએ પોતાની સાથે લાવેલું ગંદુ પાણી જીતેન્દ્રભાઈની કેબીનમાં ઢોળી દીધું હતું બાદમાં જીતેન્દ્રભાઈએ પોલીસને જાણ કરી ત્રણેય સામે ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.