Western Times News

Gujarati News

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા રોડ પર આ બ્રીજ બંધ કરાયો

અંકલેશ્વર, અંકલેશ્વરના દઢાલ પાસે આવેલો પુલ ખખડધજ બની જતાં આગામી દિવસોમાં તેનું રીપેરીંગ હાથ ધરવામાં આવશે. રીપેરીંગના કારણે પુલ પરથી નવ મહિના સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પુલ બંધ રહેવાના સંજાેગોમાં આ રોડ પરથી અવર-જવર કરતાં લોકોને ર૦ કિ.મી.નો વધારાનો ફેરાવો થશે.

અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે ઉપર દઢાલ ગામ નજીક અમરાવતી નદી ઉપરનો બ્રિજ ખખડધજ બની ગયો છે. ૬૧ વર્ષ પહેલાં આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ નિયમિત સમારકામના અભાવે પુલ જર્જરિત હાલતમાં આવી ગયો છે.

આ બ્રિજ પરથી રોજના હજારો વાહનોની અવર-જવર રહેતી હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો. છેલ્લે ર૦૧રની સાલમાં પુલનું રીપેરીંગ કરાવવામાં આવ્યું હતું. દર ચોમાસામાં બ્રિજ પર મસમોટા ગાબડા પડી જતાં હોવાથી વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરતા હોય છે. વર્ષોથી પુલના વ્યવસ્થિત રીપેરીંગના બદલે વહીવટીતંત્ર માત્ર ગાબડાઓ પુરી ગાડુ ગબડાવી રહ્યુ છે.

પુલના રીપેરીંગ બાબતે વિવિધ ઔદ્યોગિક મંડળી પર રજુઆતો કરી ચુકયા છે. જિલ્લા વહીવટી તંત્રે ૧૦ ટનથી વધુ ભારદારી વાહનો ત્યાંથી પસાર થવા પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં બે રોક ટોક વાહનો પસાર થઈ રહ્યા છે. હવે સરકારે દઢાલ પાસે આવેલા બ્રિજના રીપેરીંગનું મુહૂર્ત કાઢયું છે. આગામી નવ મહિના સુધી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ર૦ કિ.મી.નો વધારાનો ફેરાવો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.