Western Times News

Gujarati News

સોલા સિવિલમાંથી અપહૃત્ય બાળકી ફતેવાડીમાંથી મળીઃ અપહરણ કરનાર મહિલા પકડાઈ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)અમદાવાદ, સોલા સિવિલ હોસ્પિટલમાંથી અઠવાડીયા અગાઉ એક દિવસની બાળકીનું અપહરણ થયું હતું. જેને શોધવા માટે સોલા પોલીસનાં ૭૦ જવાનની ટીમ ઉપરાંત ક્રાઈણ બ્રાંચની ટીમો પણ જાેડાઈ હતી. પોલીસે હોસ્પિટલમાં લાગેલાં સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૂ કરતાં છેક સરખેજ વિસ્તાર સુધી પહોંચી હતી. અને ૫૦૦ જેટલાં સીસીટીવી ફુટેજ અને બાતમીદારોને સક્રિય કર્યા બાદ સાત દિવસની મહેનતને અંતે ફતેવાડી, જુહાપુરામાંથી છેવટે બાળકી મળી આવી હતી. તેની અપહરણ કરનાર મહિલાને ઝડપીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે મૂળ અમેઠીનાં રાજેન્દ્ર પાસીનાં પત્ની સરસ્વતીબેને ૩૧ ઓગસ્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેમને હોસ્પિટલનાં ત્રીજા માળે પીએનસી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી બીજી તારીખે રાત્રે સાડા ત્રણ વાગ્યે અજાણી વ્યક્તિએ બાળકીનું અપહરણ કરતાં ચકચાર મચી હતી. તપાસમાં વોર્ડમાં લાગેલાં સીસીટીવી બંધ જણાયા હતા.

આ અંગે ગુનો નોંધીને સોલા પોલીસનાં પીઆઈ જાડેજા સહિત ૭૦ જવાનોની ટીમ બાળકીને શોધવામાં લાગી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાંચની ટીમે પણ પોતાનાં બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન હોસ્પિટલનાં સીસીટીવીમાં શંકાસ્પદ મહિલા કોઈક વસ્તુ હાથમાં લઇ બહાર તરફ જતી દેખાઈ હતી. જેને આધારે વધુ સીસીટીવી તપાસી પોલીસે કેટલાંક રીક્ષાચાલકોની પૂછપરછ કરી હતી. જેને આધારે રૂટ બનાવી પોલીસ સરખેજ વિસ્તાર સુધી પહોંચી હતી.

દરમિયાન પોલીસે પોતાનાં બાતમીદારોને સક્રિય કરતાં ફતેવાડીમાં રહેતી નગમા મકસુદખાન યાકુબખાન ધોરી નામની મહિલાનું નામ સામે આવ્યું હતું. જેનાં આધારે પોલીસે ગુરૂવારે તેનાં ઘરે દરોડો પાડીને બાળકીને સહી સલામત છોડાવી લીધી હતી અને માતા પિતાને સોંપી હતી.

આ અંગે ડીસીપી રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમગ્ર તપાસ દરમિયાન પોલીસે ૫૦૦ જેટલાં સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. પ્રાથમિક તપાસમાં નગ્માનાં સાત વર્ષનાં લગ્ન દરમિયાન તેને કોઈ સંતાન ન હતું. તથા થોડા સમયથી તે પતિથી અલગ રહેતી હતી. જેને પગલે પોતાને બાળક હોય અને તેનો ઉછેર કરે તેવી ઈચ્છા હોવાથી તેણે બાળકીનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે. સાત દિવસ દરમ્યાન નગ્માએ ઘરે રાખીને બાળકીનો ઉછેર કરી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.