Western Times News

Gujarati News

૧૨-૧૭ વર્ષના બાળકોનું ઓક્ટોબર-નવેમ્બરમાં રસીકરણ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારત સરકાર ઓક્ટોબર-નવેમ્બર મહિનાથી ૧૨-૧૭ વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ કરવા માગે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી પહેલા રસી મેદસ્વીતા, હૃદયરોગ સહિત અન્ય કોર્મોબિડિટીથી પીડાતા બાળકોને આપવામાં આવશે.

લગભગ ૨૦-૩૦ લાખ આવા બાળકોને પ્રથમ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના ઝાયડસ કેડિલાની ડીએનએ રસી ઝેડવાયકોવ-ડી ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ઝેડવાયકોવ-ડી એ દેશમાં બાળકો પર ઈમર્જન્સી ઉપયોગ માટે એકમાત્ર માન્ય રસી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ‘અમે ઝાયડસ દ્વારા સપ્લાય શરુ થાય તેની રાહ જાેઈ રહ્યા છીએ. એકવાર તે શરુ થઈ જાય પછી અમે બાળકોનું રસીકરણ શરૂ કરીશું. આ વર્ષે જેમને કો-મોર્બિડિટી છે તેવા જ બાળકોને રસીનો ડોઝ આપવામાં આવશે. બાકીના બાળકોને આવતા વર્ષના પહેલા ક્વાર્ટરથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે.

ઝાયડસ પ્રથમ બેચમાં લગભગ ૪૦ લાખ ડોઝ સપ્લાય કરશે. તે પછી દર મહિને એક કરોડ ડોઝ આપવામાં આવશે. સરકારને અપેક્ષા છે કે કંપની ડિસેમ્બર સુધીમાં લગભગ ૪-૫ કરોડ ડોઝ આપશે. એ પણ નોંધવું જાેઇએ કે ઝેડવાયકોવ-ડી એ ત્રણ ડોઝની રસી છે.

સરકાર આવતા વર્ષે માર્ચ સુધીમાં બાકીના બાળકો સુધી રસીકરણનો વ્યાપ વધારશે. ભારત બાયોટેકની કોવાક્સિનનું પણ બાળકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાની છે. એકવાર કોવેક્સિનને બાળકો પર ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી જાય તે બાદ બે વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને આ રસી આપી શકાશે.

બાયોલોજિકલ ઇ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસીઓને પણ તાજેતરમાં બાળકો પર ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. દેશમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના લગભગ ૪૪ કરોડ બાળકો છે. આમાંથી ૧૨-૧૭ વર્ષની વય જૂથમાં આશરે ૧૨ કરોડ છે, જે પહેલા રસી લેશે.

જાે કે, મર્યાદિત પુરવઠાને ધ્યાનમાં રાખીને, સરકારે આ વય જૂથમાં પણ અગ્રતા ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું છે. વડીલોના રસીકરણ અભિયાનમાં પણ આવી જ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.