Western Times News

Gujarati News

આતંકીઓ પર પ્રહાર માટે US ભારતની મદદ લઈ શકે

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ ત્યાં આતંકીઓને કાબૂમાં રાખવા માટે ભારતની રણનીતિક ભાગીદારી અનેક દેશો માટે ખુબ મહત્વની બની ગઈ છે. આતંકીઓ પર પ્રહાર માટે અમેરિકા ભારતની મદદ લઈ શકે છે.

આ માટે તે બેસ બનાવવા ઉપર પણ વિચાર કરી રહ્યું છે. અમેરિકા તરફથી ભારતમાં બેસ બનાવવાની તક શોધવાની ખબરો પર જાેકે ભારત તરફથી કોઈ પુષ્ટિ કે ખંડન નહીં કરવાની વાત એ સંકેત આપે છે કે આ રણનીતિક મુદ્દે હાલ કોઈ પણ પત્તું ખોલવા માંગતું નથી.

વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ખબરોથી અમે માહિતગાર છીએ. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ અને વધુ માહિતી મેળવી રહ્યા છીએ. આ બાજુ રણનીતિક મામલાઓના જાણકારો માને છે કે ભારત એટલી સરળતાથી બેસ બનાવવાની મંજૂરી આપશે નહીં.

પરંતુ બદલાયેલી સ્થિતિમાં અનેક વિકલ્પો પર ચર્ચા થવી શક્ય છે કારણ કે આતંકવાદ ભારત અને અમેરિકા માટે કોર મુદ્દો છે. ભારતે લગભગ તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદને લઈને પોતાની વાતને ફોકસમાં રાખી છે.

જાણકારોનું કહેવું છે કે અમેરિકા અને રશિયાના ટોચના સુરક્ષા અધિકારીઓના તાજેતરના ભારત પ્રવાસથી સ્પષ્ટ સંકેત છે કે આ વિસ્તારની રણનીતિને લઈને ઘણું બધુ પડદા પાછળ ચાલી રહ્યું છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સુરક્ષા તથા ગુપ્તચર એજન્સીઓ દ્વારા સતત ઈનપુટ મેળવી રહ્યા છે અને ઉચ્ચ સ્તરે પણ નજર રાખવામાં આવી રહી છે. ભારત હાલ પોતાના હિતો શોધી રહ્યું છે. વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસી બાદ ભવિષ્યમાં પણ અમેરિકા અફઘાનિસ્તાનથી ઓપરેટ કરી રહેલા આતંકી જૂથો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારી રાખવા માંગે છે.

અમેરિકી પ્રશાસન આ અંગે બીજા દેશોમાં પોતાનો બેસ/સ્ટેજિંગ એરિયા બનાવવાની વાતો કરી રહ્યું છે. જેથી કરીને જરૂર પડે તો તે અફઘાનિસ્તાનમાં આતંકીઓ અને તેમના ઠેકાણા પર ઓવર ધ હોરાઈઝન હુમલા કરી શકે.

જ્યારે અમેરિકામાં વિદેશ મામલાઓની સંસદીય સમિતિમાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકનને સવાલ પૂછ્યો કે શું ભારતમાં પણ અમેરિકા પોતાનો આવો કોઈ બેસ બનાવવા માંગે છે કે ભારત સરકાર સામે અમેરિકાએ આવી કોઈ માંગણી રજુ કરી છે તો બ્લિંકને ખુલીને સ્પષ્ટ જવાબ તો ન આપ્યો પરંતુ તેની સંભાવનાથી ઈન્કાર પણ ન કર્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.