Western Times News

Gujarati News

ગુજરાતના પૂર્વ મંત્રીઓએ બંગલા ખાલી કરવા માંડયા

ગાંધીનગર, રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમને અપાયેલા સરકારી બંગલા ખાલી કરી રહ્યાં છે. એકમાત્ર પૂર્વ કૃષિ મંત્રી આરસી ફળદુએ તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હવે રૂપાણી સરકારનાં અન્ય મંત્રીઓ પણ તેમના બંગલા ખાલી કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતી કવિ બાલમુકુંદ દવેની કવિતા જૂનું ઘર ખાલી કરતાં યાદ આવે છે. સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાંથી પૂર્વ મંત્રીઓએ વિદાય લીધી છે અને હવે મંત્રીમંડળ નિવાસસ્થાન વિસ્તારમાં આવેલા સરકારી બંગલામાંથી પણ તેઓ વિદાય લઇ રહ્યાં છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના ૨૪ સભ્યોને નવા બંગલા ફાળવવાના થાય છે. ત્યારે માર્ગ મકાન વિભાગે પૂર્વ મંત્રીઓને બંગલા ખાલી કરવાની નોટીસ આપી છે. દાદા હાલ બંગલા નંબર-૧માં મિટીંગ કરી રહ્યાં છે. ૨૬ નંબરના બંગલામાં વિજય રૂપાણી રહે છે તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી છે.

એ ઉપરાંત તેમની સરકારમાં ફરજ બજાવતા ૨૨ જેટલા મંત્રીઓએ પણ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારના નિયમ પ્રમાણે, પૂર્વ મુખ્યમંત્રીઓને ગાંધીનગરમાં કે ટાઇપના બંગલા મળતા હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવાયેલો છે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ બંગલો ફાળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા અને કેશુભાઇ પટેલને બંગલો આપવામાં આવ્યો હતો, પરંતુ સુરેશ મહેતા સરકાર વિરોધી ઉચ્ચારણો કરતાં હોવાથી તેમને બંગલો ખાલી કરવાની વારંવાર નોટીસ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેમને કોમર્શિયલ ભાડુ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મંત્રીઓ માટે ૩૫થી વધુ બંગલા બનાવવામાં આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.