Western Times News

Gujarati News

કેપ્ટન અમરિંદર સિંહને ફાઈનલી હાર માની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું

ચંડીગઢ, કોંગ્રેસ શાસિત આ રાજ્યમાં ઘમાસાન એટલી હદ સુધી વધી ગયું છે કે હવે કેપ્ટન અમરિંદર સિંહને ફાઈનલી હાર માની લેવી પડી છે અને તેમને રાજીનામું આપી દીધું છે.તેમણે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. ઘણા સમયથી અટકળો ચાલતી હતી કે, કોંગ્રેસ પંજાબ પ્રદેશ પ્રમુખ નવજાેત સિધુ અમરિંદર સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માગે છે.કહેવાય છે કે કોંગ્રેસ હાઈકમાને કેપ્ટન પાસેથી રાજીનામુ માગી લીધું હતું.

મુખ્યમંત્રી અમરિંદરે રાજયપાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે મેં રાજયપાલને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મારા સમર્થકો સાથે વાતચીત કરીને આગામી નિર્ણય લઇશ મારા કામ પર કોઇ શંકા હોય તે ચાલી શકે નહીં હું અપમાનીત અનુભવી રહ્યો છું મેં રાજીનામા અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી રાજીનામુ આપ્યું છે.

કોંગ્રેસને જેના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી શકે છે. મારા માટે ભવિષ્યના વિકલ્પો ખુલ્લા છે. મુખ્યમંત્રી રાજભવન પહોંચ્યા હતાં ત્યારે તેમની સાથે તેમનો પરિવાર હાજર હતો પહેલા પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી રાવતે શુક્રવારે મોડી રાતે સોશિયલ મીડિયા પર ધારાસભ્ય દળની મીટિંગની જાણકારી આપી હતી.

આની વચ્ચે મુહમ્મદ મુસ્તફાએ ટ્‌વીટ દ્વારા કહ્યું કે પંજાબના ધારાસભ્યો પાસે સાડા ૪ વર્ષ પછી કોંગ્રેસી મુખ્યમંત્રી પસંદ કરવાની તક છે. આ રીતે તેમણે કેપ્ટન અમરિંદર સિંહને કોંગ્રેસી હોવાની વાતને નકારી છે. મુસ્તફાએ લખ્યું, ૨૦૧૭માં પંજાબે કોંગ્રેસને ૮૦ ધારાસભ્યો આપ્યા. તેમ છતાં કોંગ્રેસીઓને આજ દિન સુધી કોંગ્રેસી મુખ્યમંત્રી મળ્યા નથી.

કોંગ્રેસ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે જેમા સુશનીલ જાખડનું નામ આગળ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી પંજાબ કોંગ્રેસમાં ખટરાગ ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટન અમરિન્દર સિંઘ અને નવજાેત સિંઘ સિદ્ધુ વચ્ચે ચાલતા વિવાદોના કારણે જુથવાદ ઊભરી આવ્યો હતો. સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે.

પ્રદેશ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુ અને જાખડ વચ્ચે ઘરોબો છે. નવજાેત સિંહ સિદ્ધુ જાખડને પોતાના મોટાભાઈ ગણાવે છે અને તેઓ ઘણા પ્રસંગે જાહેરમાં ગળે મળતા જાેવા મળ્યાં હતા. તેઓ એકબીજાને જ્યારે પણ મળે છે ત્યારે ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કરે છે. સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ છે.

કેપ્ટન અમરિંદર સિંહની રાજકીય સફર જાેઇએ તો કેપ્ટન અમરિંદર પટિયાલાના રાજપરિવારથી આવે છે, અમૃતસરના તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે,કેપ્ટન અમરિંદરના પત્ની પરનીત કૌર પણ રાજનીતિમાં સક્રિય છે, મનમોહનસિંહની સરકારમાં તેઓ ભારતના વિદેશ રાજ્ય મંત્રી હતા.

૧૯૮૦માં તેઓ લોકસભાના સાંસદ બન્યા,કોંગ્રેસ સરકારની ઓપરેશન બ્લૂ સ્ટારની કાર્યવાહી બાદ તેઓએ રાજીનામું આપ્યું,૧૯૯૨માં તેઓએ શિરોમણિ અકાલી દળ (પંથિક)નું ગઠન કર્યું,૧૯૯૮માં તેમની ખુદની હાર થતા પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરી દીધો,૧૯૯૯થી ૨૦૦૨ અને ૨૦૧૦થી ૨૦૧૩ સુધી પંજાબ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા, ૨૦૦૨થી ૨૦૦૭ સુધી પંજાબના મુખ્યમંત્રી પણ રહ્યાં,૨૦૧૪માં અમૃતસર લોકસભા સીટથી અરુણ જેટલીને એક લાખ મતથી હરાવ્યા,૨૦૧૫માં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા,૨૦૧૭માં કોંગ્રેસે બહુમત સાથે ચૂંટણી જીત અને કેપ્ટન અમરિંદર સીએમ બન્યા,૨૦૧૬માં તેઓએ લોકસભા પદ પરથી રાજીનામું આપ્યું હતું.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહની ઘણી નબળાઈઓ રહી, જેને મુદ્દો બનાવીને વિરોધીઓએ તેમની ખુરશી પર સંકટ ઊભું કરવા માટેની પટકથા તૈયાર કરી. સૌથી પહેલા કેપ્ટન પર પાર્ટીના નેતાઓને ન મળવાનો આરોપ લાગ્યો, સાથે જ રાજ્યમાં અમલદારશાહીનું વર્ચસ્વ એક મોટું કારણ હતું અને તેમના પર વિપક્ષી પક્ષો સાથે મિલીભગત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પંજાબ કોંગ્રેસના નવા વડા નવજાેત સિદ્ધુએ આ જ દાવ સાથે કેપ્ટનને પછાડવા માટે પડદા પાછળ રાજકીય રમત બનાવી હતી.આ ઉપરાંત ૨૦૧૭માં કોંગ્રેસે ઘણા મુદ્દાઓ પર વિધાનસભા ચૂંટણી લડી હતી. એ દરમિયાન ઘણા વાયદા પણ સામાન્ય જનતાને કરવામાં આવ્યા, પરંતુ પોતાના સંપૂર્ણ કાર્યકાળમાં આ ચૂંટણી વાયદાઓને પૂરા ન કરવા પણ કેપ્ટનને ભારે પડ્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.