Western Times News

Gujarati News

ભારતીય છાત્ર હાવર્ડ યુનિ. સ્ટૂડન્ટ યુનિયનનો અધ્યક્ષ

નવી દિલ્હી, વિશ્વની સૌથી નામાંકિત ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકે એક ભારતીય વિદ્યાર્થીની વરણી થઈ છે. ભારતીય વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં અમેરિકા તેમજ બીજા દેશોમાં દર વર્ષે અભ્યાસ કરવા માટે જાય છે પણ અમેરિકાની સૌથી ટોચની ગણાતી હાર્વર્ડ યુનિવર્સિટીમાં બિહારના સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થી શરદ સાગરે ચૂંટણી જીતીને ઈતિહાસ સર્જયો છે.

શરદ હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનના સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યો છે. ૫૦ દેશોના ૧૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ શરદના પક્ષમાં મત આપ્યા હતા.

તેની સામે કુલ ૯ હરિફ ઉમેદવારો હતા. શરદ સાગરે પોતાને મત આપનારા વિદ્યાર્થીઓનો આભાર માનીને કહ્યુ છે કે, હાર્વર્ડથી હજારો કિલોમીટર દુર જન્મ લેનારા મારા જેવા વિદ્યાર્થી માટે આ લગભગ અશક્ય હતુ પણ મને હાર્વર્ડના વિદ્યાર્થીઓએ જે જવાબદારી આપી છે તે બદલ હું તેમનો આભાર માનુ છું અને એવુ કામ કરવા માંગુ છું કે, જેનાથી વિદ્યાર્થીઓના જીવનમાં બદલાવ આવે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાં મે ૨૦૨૨ સુધી શરદ સ્ટુડન્ટ યુનિયનનો અધ્યક્ષ રહેશે. યુનિવર્સિટીમાં આ ચૂંટણી માટે ૧૪ થી ૧૯ સપ્ટેમ્બર સુધી મતદાન થયુ હતુ. શરદે યુનિવર્સિટીમાં સૌથી વધારે સ્કોલરશિપ પણ મેળવેલી છે. ૨૦૧૬માં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ વ્હાઈટ હાઉસમાં શરદને આમંત્રિત કર્યો હતો. તે અમેરિકામાં અલગ અલગ સેમિનારોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરી ચુકયો છે.

કેટલાક લોકો તેને વિવેકાનંદ કહીને પણ બોલાવે છે. શરદ ભારતીય સભ્યતાને બહુ સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શકે છે. ફોર્બ્સ મેગેઝિને શરદને ૩૦ વર્ષથી નાની વયના સૌથી પ્રભાવશાળી એન્ટરપ્રિનિયોરના લિસ્ટમાં પણ સ્થાન આપ્યુ હતુ.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.