Western Times News

Gujarati News

કાલુપુર બ્લાસ્ટ અને નાર્કોટીક્સના કેસમાં વોન્ટેડ બે આરોપીઓ કાશ્મીરથી પકડાયા

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેટલાંક સમયથી નશીલાં પદાર્થાેનું દુષણ ભયજનક રીતે વધી જતાં પોલીસની વિવિધ એજન્સીઓએ પોતપોતાની રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા પગલાં લઈ રહી છે. ખાસ કરીને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ને આ બાબતે ઘણી મોટી સફળતા મળી છે

અને રાજ્યનાં બંદર-તથા દરીયા કાંઠેથી ઓછા સમયમાં જ હજારો કરોડો રૂપિયાનાં ડ્રગ્સનાં જથ્થાને પકડી કેટલાંય ભારતીય તથા વિદેશી નાગરીકોને જેલભેગાં કર્યા છે. ત્યારે ગુજરાતમાં કાલુપુર રેલવે સ્ટેશન પર થયેલાં બોમ્બ બ્લાસ્ટ તથા ૧૦૦ કિલોથી વધુ ચરસનાં જથ્થાની હેરાફેરીમાં સંડોવાયેલા બે ઈસમોને ગુજરાત એટીએસની ટીમે બે અલગ ઓપરેશન કરી કાશ્મીરથી ઝડપી લીધાં છે આ બંને આરોપીઓ છેલ્લાં પંદર વર્ષથી પોલીસનાં ચોપડે વોન્ટેડ હતા.

બિલાલ કાશ્મીરીએ મદરેસામાં યુવાનોનું બ્રેઈન વોશ કર્યું

એટીએસનાં અધિકારીઓને વર્ષ ૨૦૦૬માં કાલુપુર રેલવે સ્ટેશન બ્લાસ્ટમાં સામેલ બિલાલ અહેમદ ઊર્ફે બિલાલ કાશ્મીર ગુલામ મયુદ્દીન દાર (રહે.દેબીના ગામ, બારામુલ્લા, કાશ્મીર) તથા ત્રણ વર્ષ બાદ ઉનાવા ખાતેથી પકડાયેલો ૧૦ કિલો ચરસનો જથ્થો મોકલવામાં સામેલ મોહમંદ હુસેન ઉર્ફે હુસેન અલી દાર (તોલાખાન, બીજબહેરા, અનંતનાગ) કાશ્મીરમાં છુપાયેલાં હોવાની બાતમી મળી હતી.

જેને આધારે એટીએસનાં એસએસપી દિપન ભદ્રન તથા ડીવાયએસપી બી એચ ચાવડા અને બે પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવ તથા વી.બી.પટેલની ટીમ બનાવીને તેમને કાશ્મીર ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમણે બે ઓપરેશન કરીને બિલાલ કાશ્મીરીને બારામુલ્લા તથા મોહમંદ હુસેનને (અનંગનાગ)થી ઝડપી લીધા હતા.

અને સીધા અમદાવાદ ખાતે એટીએસની ઓફીસે લવાયા હતા. હાલમાં તે બંનેની સઘન પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ ૧૫ વર્ષથી ફરાર બે મોટાં આરોપીઓને પકડી લેતાં રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયા પણ એટીએસની ઓફીસે પહાંચ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.