Western Times News

Gujarati News

ગ્રામ પંચાયતોના તલાટીઓએ માંગણીઓ માટે બાંયો ચઢાવી

૧૭૦ ગામ – ૧ર૬ તલાટી

પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકામાં અંદાજીત ૧૭૦ ગામોનો સમાવેશ થાય છે. આ ૧૭૦ ગ્રામ પંચાયતોમાં ૧ર૬ જેટલા તલાટીઓ ફરજ બજાવે છે. એટલે કે લગભગ ૪૪ જેટલી તલાટીની જગ્યાઓ ખાલી પડે છે. પેટલાદ તાલુકામાં પ૬ ગામો પૈકી ૧૪, સોજીત્રાના ર૧ પૈકી ૪, તારાપુરના ૩૮ પૈકી ૧૦ અને ખંભાતના પપ પૈકી ૧૪ ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની જગ્યા ખાલી પડે છે. જેને કારણે બે કે ત્રણ ગામની જવાબદારી સંભાળતા તલાટીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

પેટલાદ, સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ માસ સીએલ ઉપર ઉતરી પડ્યા હતા. વર્ષોથી પોતાની પડતર માંગણીઓ સંદર્ભે અવાર નવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવા છતા કોઈ હકારાત્મક પરિણામ આવતુ ન હતુ. પરંતુ હવે રાજ્યના તલાટીઓએ પોતાની પડતર માંગણીઓ માટે સરકાર સામે બાંયો ચઢાવી છે.

પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ખંભાતના આશરે ૧રપ જેટલા તલાટીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના તલાટી કમ મંત્રીઓની વર્ષોથી પડતર માંગણીઓનો કોઈ નિકાલ થતો નથી.

ફિક્સ પગારમાં ભરતી થયેલ તલાટીઓની નોકરી સળંગ ગણવી, જાન્યુઆરી ર૦૧૬ થી મળવા પાત્ર પ્રથમ અને દ્વિતિય પગાર ધોરણ મંજૂર કરવુ, તલાટીને વિસ્તરણ અધિકારી સહકાર અને આંકડામાં પ્રમોશન આપવુ, તલાટી કેડરને પંચાયત કેડરમાં મર્જ કરી પગારની વિસંગતતાઓ દુર કરવી, જીલ્લા કે ફેરબદલીના પ્રશ્નોનું નીરાકરણ લાવવું,

પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને ન સોપવી, ફરજ દરમિયાન થતા હુમલાઓ અટકાવવા, નવુ મહેકમ મંજૂર કરી પ્રત્યેક ગ્રામ પંચાયતને તલાટી આપવા જેવી માંગણીઓ પડતર ચાલી આવી છે.

આ માંગણીઓ સંદર્ભે રાજ્યના તલાટીઓ સાથે પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ખંભાત તાલુકાના તલાટીઓ પણ આજે માસ સીએલ મુકી હડતાળમાં જાેડાયા છે. આજરોજ આ ચારેય તાલુકા પંચાયતો બહાર જે-તે તાલુકાના તલાટીઓએ પ્લે-કાર્ડ અને બેનર સાથે પોતાની માંગણીઓના સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.