Western Times News

Gujarati News

કેન્દ્રના કડક વલણ બાદ બ્રિટનના કોરોના રસી સર્ટિફિકેટ પર સૂર બદલાયા

નવીદિલ્હી, કોરોના રસી સર્ટિફિકેટ પર બ્રિટનના વલણ વિરુદ્ધ ભારતે જે પગલું ભર્યું તેનાથી હવે બોરિસ જ્હોન્સન સરકાર આઘાતમાં સરી પડી છે.

ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયોગના પ્રવક્તાનું હવે એવું કહેવું છે કે અમે ભારતીય કોરોના રસી સર્ટિફિકેટને માન્યતા આપવા માટે મોદી સરકારને ટેક્નિકલ સહયોગ ચાલુ રાખીશું. વાત જાણે એમ છે કે બ્રિટનના મિજાજમાં આ ફેરફાર ભારતના કડક પગલા બાદ આવ્યો છે. જે હેઠળ યુકેથી આવતા મુસાફરો માટે ૧૦ દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ જરૂરી કરવામાં આવ્યો છે.

બ્રિટને ભારતના કોરોના રસી સર્ટિફિકેટને હજુ પણ માન્યતા આપી નથી જેના પર જવાબી કાર્યવાહી કરતા મોદી સરકારે જાહેરાત કરી કે બ્રિટનથી આવતા લોકોએ ભારતમાં ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે.

આ અગાઉ બ્રિટને ભારતના લગાવવામાં આવતી કોવિશીલ્ડ કોરોના રસીને મંજૂરી પ્રાપ્ત રસીની યાદીમાંથી બાકાત રાખી હતી, જેના પર ભારતે તેને કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. ત્યારબાદ બ્રિટિશ સરકારે રસીને મંજૂરી તો આપી પરંતુ ટેક્નિકલ પેચ ફસાવી દઈને સર્ટિફિકેટ પર સવાલ ઉઠાવ્યા.

ભારતે બ્રિટનને કડક સંદેશ આપતા કહ્યું કે મુસાફરોને ભલે કોરોના રસીના બંને ડોઝ અપાયેલા હોય પરંતુ તેણે આઈસોલેશનમાં રહેવું જ પડશે. આ ઉપરાંત ભારત આવવા માટે પણ કેટલાક નિયમો નક્કી કરાયા છે. બ્રિટનથી આવતા લોકો માટે મુસાફરીના ૭૨ કલાક પહેલા કોરોના આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ હોવો જરૂરી રહેશે.

અત્રે જણાવવાનું કે બ્રિટને એપ્રિલમાં ભારતથી આવતા મુસાફરો માટે ‘રેડ લિસ્ટ’ કોવિડ-૧૯ મુસાફરી પ્રતિબંધ શરૂ કર્યો હતો. આ પ્રતિબંધો હેઠળ ભારતથી બ્રિટન આવતા મુસાફરો પર રોક હતી અને ભારતથી પોતાના દેશ પાછા ફરી રહેલા બ્રિટિશ અને આયરિશ નાગરિકો માટે હોટલમાં ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું જરૂરી હતું.

જાે કે બાદમાં ભારતે જ્યારે કડકાઈ દેખાડી તો બ્રિટને પોતાના મુસાફરી પ્રતિબંધોમાં ઢીલ મૂકવાની જાહેરાત કરી અને ભારતને રેડમાંથી અંબર સૂચિમાં નાખી દીધુ. જે હેઠળ ભારતમાં રસી લેનારા મુસાફરો હવે પોતાના ઘર કે પસંદગીની કોઈ પણ જગ્યાએ દસ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહી શકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.