Western Times News

Gujarati News

દીકરો દોષી જણાયો તો રાજીનામુ આપી દઈશ: અજય મિશ્રા

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યુ છે કે લખીમપુર ખીરી કાંડમાં તેમનો દીકરો દોષી જણાયો તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની કારથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા, જે ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા. ચારે તરફ દબાણ સહન કરી રહેલ અજય મિશ્રએ કહ્યુ છે કે લખીમપુર ખીરીમાં જે જગ્યાએ હિંસા થઈ હતી ત્યાં તેમના દીકરાની હાજરીનો એક પણ પુરાવો મળ્યો તે પોતાનુ પદ છોડી દેશે.

કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ આ મામલે કહ્યુ કે, ‘લખીમપુર ખીરીમાં જે જગ્યાએ ઘટના બની, ત્યાં મારા દીકરાની હાજરીનો એક પણ પુરાવો સામે આવ્યો તો હું મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ.’

રવિવારે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ ૮ લોકો માર્યા ગયા હતા. આ હિંસા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થઈ હતી. ખેડૂત સંગઠનોનો દાવો છે કે મંત્રીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા પરંતુ આશિષ મિશ્રા સતત દાવો કરી રહ્યા છે કે ઘટના સ્થળે તેમનો દીકરો હાજર નહોતો.

આ હિંસા ત્યારે ભડકી જ્યારે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય તિકુનિયા પહોંચવાના હતા. આ વિસ્તાર અજય મિશ્રાના પૈતૃત ગામ પાસે જ છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે અજય મિશ્રાના દીકરાએ ખેડૂતોને કચડ્યા. જ્યારે અજય મિશ્રા અને તેમના દીકરા આશિષનો દાવો છે કે પ્રદર્શનકારીઓએ ભાજપના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં તેમના એક ડ્રાઈવર ઉપરાંત ત્રણ લોકો માર્યા ગયા જેમાં બે ભાજપના કાર્યકર્તા પણ છે. આ મામલે આશિષ મિશ્રા સામે હત્યા, ગુનાહિત ષડયંત્ર જેવી કલમોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.