Western Times News

Gujarati News

105 કિલો ચાંદી મા ખોડલના ચરણોમાં અર્પણ કરતાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી

Cabinet Minister Jitu Vaghani at Khodaldham Rajkot Gujarat

કેબીનેટ મંત્રી બન્યા બાદ સૌપ્રથમ સન્માનનો કાર્યક્રમ આજના આ પવિત્ર દિવસે ખોડલધામની ભૂમિ ઉપર થયો છે તે મારા માટે મોટી વાત છે.

કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ મા ખોડલના દર્શન કરી ધ્વજારોહણ કર્યું-કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા અને સન્માન કરાયું

કાગવડ, 07 ઓક્ટોબરને ગુરુવારના રોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી માનનીય જીતુભાઈ વાઘાણી શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ જીતુભાઈ વાઘાણી પ્રથમ વખત શ્રી ખોડલધામ મંદિરે દર્શનાર્થે પધાર્યા હતા.

મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દાતાશ્રીઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની રજતતુલા કરવામાં આવી હતી. બપોરે 12-30 વાગ્યાની આસપાસ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ખોડલધામ મંદિરે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા અને મા ખોડલના ધામમાં ધ્વજારોહણ કર્યું હતું.

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા રંગમંચ ખાતે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનો સન્માન અને રજતતુલાનો કાર્યક્રમ યોજાયો હતો. સન્માન અને રજતતુલાના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

દિપ પ્રાગટ્ય બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીશ્રીઓ, કન્વીનરશ્રીઓ, અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીનું સન્માન કરાયું હતું. ત્યારબાદ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની 105 કિલો ચાંદીથી રજતતુલા કરવામાં આવી હતી. મુંબઈ, સુરત અને ભાવનગરના દાતાશ્રીઓએ કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીને વજન બરાબર ચાંદીથી તુલા કરીને સન્માનિત કર્યા હતા.

રજતતુલા પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું હતું કે, ભાદરવાનો તડકો તપતો હોય અને ગરમીમાં પણ ધીરજ ધરીને બેસે તે સમાજ જ પાટીદાર સમાજ.. પાટીદાર સમાજ સૌને સાથે લઈને ચાલનારો સમાજ છે. મા ખોડલ આપણા સૌના પર એવી કૃપા વરસાવે કે આપણે પાછળનું પણ જોઈએ, વર્તમાનનું પણ જોઈએ અને આગળનું પણ જોઈએ.

હું અહીંયા પહોંચ્યો છું એમાં ખોડલધામ અને આગેવાનોનો પણ સાથ સહકાર રહેલો છે. હંમેશા મને આપણો સમજીને આગળ વધારવામાં મદદ કરી છે. આ પ્રકારના સન્માનો થકી અમને નવી ઉર્જા અને શક્તિ મળતી હોય છે.

મંત્રી બન્યા બાદ સૌપ્રથમ સન્માનનો કાર્યક્રમ આજના આ પવિત્ર દિવસે ખોડલધામની ભૂમિ ઉપર થયો છે તે મારા માટે મોટી વાત છે. અહીંયા આવીને પરિવારમાં આવ્યાનો અને ઘરમાં આવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા.

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના સન્માન અને રજતતુલા માટે યોજાયેલા આ કાર્યક્રમના અધ્યક્ષશ્રી નરેશભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, જીતુભાઈ વાઘાણી આપણા સમાજનું ગૌરવ છે અને તેમણે આજે ખૂબ સહજતાથી વાત કરી છે. મા ખોડલ અને દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કે, તમારા દરેક સ્વપ્ન આપ સમાજ વચ્ચે રહીને પૂર્ણ કરો અને હંમેશા સમાજનું ધ્યાન રાખીને આગળ વધો.

શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ, શ્રી લેઉવા પટેલ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટની વિવિધ સમિતિના કન્વીનરો અને સભ્યોએ પણ હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.