Western Times News

Gujarati News

દિગ્ગજ અભિનેત્રી મીનૂ મુમતાઝનું કેનેડા ખાતે અવસાન

નવી દિલ્હી, બોલિવુડના દિગ્ગજ અભિનેત્રી મીનૂ મુમતાઝનું 23 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે. મીનૂ મુમતાઝે કેનેડા ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના ભાઈ અનવર અલીએ મીડિયાને તેમના અવસાનની જાણ કરી હતી. અનવર અલીએ મીનૂ મુમતાઝના અવસાનની જાણકારી આપવાની સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, મીડિયા, ફેન્સ, ફ્રેન્ડ્સ તમામનો મીનૂ મુમતાઝને પ્રેમ આપવા બદલ આભાર માન્યો હતો.

મીનૂ મુમતાઝ દિગ્ગજ કોમેડિયન મહમૂદ અલીના બહેન હતા. તેમણે અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ 1950 અને 1960ના દશકામાં અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. મીનૂ મુમતાઝે ફિલ્મોમાં ડાન્સર અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમનું અસલી નામ માલિકુન્નીસા અલી હતું પરંતુ દિગ્ગજ અદાકારા મીના કુમારીએ તેમનું નામ મીનૂ રાખ્યું હતું. મીનૂએ સ્ટેજ ડાન્સર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ 50ના દશકામાં તે ડાન્સર તરીકે અનેક ફિલ્મોમાં જોવા મળી હતી.

સખી હાતિમ તેમની પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ બલરાજ સાહનીના ઓપોઝિટ લીડ રોલમાં જોવા મળ્યા હતા. તેઓ ગુરૂ દત્તની અનેક ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તેઓ કાગઝ કા ફૂલ, ચૌદવી કા ચાંદ, સાહિબ બીવી ઓર ગુલામ, તાજમહલ, ઘૂંઘટ, ઈન્સાન જાગ ઉઠા, ઘર બસાકે દેખો, ગઝલ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

તેમણે 1963ના વર્ષમાં ડાયરેક્ટર એસ અલી અકબર સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન દ્વારા તેમને 3 દીકરીઓ અને એક દીકરો છે. તેઓ ઘણાં સમયથી કેનેડા રહેતા હતા અને જિંદગીના અંતિમ શ્વાસ પણ ત્યાં જ લીધા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.