Western Times News

Gujarati News

નવી ટી.પી. સ્કીમમાં રોડની પહોળાઈમાં વધારો કરાશે

એન.એ. અને પ્લાન મંજુરીની પ્રક્રિયા એક સાથે થઈ શકશે: દેવાંગ દાગી

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્ર દ્વારા ભવિષ્યના ટ્રાફિક, વાહનોની સંખ્યા વગેરે બાબતોને ધ્યાનમાં લીધા વિના જ રોડ-રસ્તા બનાવવામાં આવ્યા છે જેના પરીણામે ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યા ગંભીર બની છે.

આ બાબતનું જ્ઞાન સત્તાધારી ભાજપને મોડે-મોડે પણ આવ્યુ છે તેથી નવી મંજુર થતી ટી.પી. સ્ક્રીમોમાં ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને રોડ-રસ્તાના આયોજન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તદ્‌પરાંત એન.એ. અને પ્લાન પાસીંગની પ્રક્રિયા એક સાથે ચલાવવા માટે પણ મંજુરી આપવામાં આવી છે.

મ્યુનિ. ટાઉન પ્લાનીંગ કમીટી ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ કોઈપણ ટી.પી સ્ક્રીમ મંજુર થવામાં બે થી ત્રણ વર્ષનો સમય થાય છે. આ દરમ્યાન જે તે વિસ્તારનો વિકાસ થતા ટ્રાફિક ભારણ વધી જાય છે તેથી ટી.પી.માં મંજુર કરવામાં આવેલા રોડ પણ સાંકડા લાગે છે તેથી નવી મંજુર થતી ટી.પી. સ્કીમોમાં રોડની પહોળાઈ વધારવામાં આવશે.

ડ્રાફટ ટી.પી.માં જયાં ૦૯ મીટર રોડ દર્શાવવામાં આવ્યો હશે ત્યાં ૧ર મીટર, ૧ર મીટરના સ્થાને ૧૮ મીટર તથા ૧૮ મીટરના બદલે ૩૦ મીટર રોડ તૈયાર કરવામાં આવશે. રોડની પહોળાઈ વધારવાના કારણે રીઝર્વ પ્લોટના ક્ષેત્રફળમાં ઘટાડો થશે. પરંતુ નાગરીકોને થતી હાલાકી દુર થશે તે મહત્વની બાબત છે.

મ્યુનિ. ટી.પી. એન્ડ એસ્ટેટ વિભાગ દ્વારા દર મહીને ઈસ્યુ કરવામાં આવેલ બી.યુ.ની યાદી વોટર-ડ્રેનેજ તથા રોડ કમીટીને મોકલી આપવામાં આવશે. જેના કારણે અંડર ગ્રાઉન્ડ યુટીલીટી તથા રોડ તૈયાર કરવામાં સરળતા રહેશે. તદ્‌પરાંત દર વરસે જુન મહીનામાં બી.યુ. ઈસ્યુ થઈ હોય તેવી મિલ્કતોમાં પરકોલેટીંગ વેલની પણ ચકાસણી કરવામાં આવશે.

ટાઉન પ્લાનીંગ કમીટીમાં એન.એ. બાબતે પણ સઘન ચર્ચા થઈ હતી. સામાન્ય રીતે કોઈપણ જમીન એન.એ. થયા બાદ જ પ્લાન મંજુર કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે પરંતુ હવે એન.એ. અને પ્લાન મંજુરી પ્રક્રિયા એક સાથે થઈ શકશે. જેના કારણે વપરાશકર્તાનો સમય વેડફાશે નહિ તેમજ મનપાની આવકમાં પણ વધારો થશે. મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા ડ્રાફટ ટી.પી.ના જે રોડ ખુલ્લા કરવામાં આવશે તેનો પ્રોગેસ રીપોર્ટ કમીટી સમક્ષ રજુ કરવામાં આવશે.

મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા જાન્યુઆરી- ર૦ર૧થી કોરોના વેકસીનની કામગીરી શરૂ કરવામાં આી છે. નાગરીકોની સરળતા માટે ૧૪ કોમ્યુનીટી હોલમાં પણ વેકસીનની કામગીરી કરવામાં આવી છે.

શહેરમાં ૧૦૦ ટકા વેકસીનેશન થઈ ગયુ છે તેમજ વેકસીન પ્રક્રિયા પણ ચાર વાગે પુર્ણ થઈ જાય છે. તેવી જે ઓડીટોરીયમ કે કોમ્યુનીટી હોલમાં વેકસીનની કામગીરી થતી હશે તે હોલ/ ઓડીટોરીયમને સાંજે ચાર વાગ્યા બાદ ભાડે આપવા નિર્ણય કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.