Western Times News

Gujarati News

બહેન-દિકરીઓ સ્વયંમ સશક્ત બનીને સ્વ રક્ષા કરી શકે તો અન્યને તથા સમાજમાં પણ મદદરૂપ બની શકે

File

મહિલાઓ પર થતા અત્યાચાર રોકવા એ મહિલા આયોગનો મુખ્ય ધ્યેય” – લીલાબહેન અંકોલિયા

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને અમદાવાદ મહાનગરપાલિકા સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયુ 

ગુજરાત સરકાર દ્વારા મહિલા  સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેની કામગીરીના ભાગરૂપે વર્ષ ૨૦૦૫ થી ગુજરાત રાજ્ય મહિલા આયોગ ની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય મહિલા આયોગના સંયુકત ઉપક્રમે આજ રોજ ટાગોર હોલ ખાતે નારી સંમેલનનૂં આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ માટે નારી અદાલત અને મહિલા સશક્તિકરણના કાર્યક્રમો કરી રહી છે જેના માધ્યમથી મહિલાઓને આત્મરક્ષણ અને શોષણ સામે યોગ્ય માર્ગદર્શન અને આશરો મળી રહ્યો છે. નારી અદાલતનું સંચાલન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે

અને કોઇપણ સમાજની મહિલાઓ શોષણ , ત્રાસ અને કૌટુંબિક તથા કોઈપણ પ્રકારની સમસ્યાના નિવારણ અને સમાધાન માટે નજીકની નારી અદાલતનો સંપર્ક કરી શકે છે. આ નારી અદાલતમાં મહિલાઓની રજૂઆતોને ધ્યાનમાં લઇ ગણતરીના દિવસોમાં તેમના પ્રશ્નોનુ સુખદ સમાધાન અને ન્યાય અપાવવામાં આવે છે અને પારિવારિક મિલન કરાવવામાં આવે છે.

મહિલાઓ કાયદાની જોગવાઇઓથી માહિતગાર થાય તે માટે અભ્યાસકાળ દરમિયાન મળતી કાયદા અને ગુન્હા વિષયક જાણકારીથી ભવિષ્યના સંઘર્ષમય જીવનમાં  તેમને આ જ્ઞાન ખૂબ ઉપયોગી સાબિત થશે એમ જણાવતાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબહેન અંકોલિયાએ વધુમાં જણાવ્યું હતું કે

મહિલા આયોગ મહિલાઓને સમાજમાં સન્માન અને સ્વરક્ષણ તથા ગૌરવ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. મહિલા આયોગ મહિલાઓને તેમના હકોથી વાકેફ કરે છે. કાયદાનો ઉપયોગ કયા સમયે ક્યાં કરવો? ખરેખર તેનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તે અંગેની જાગૃતિ અંગેના સેમિનાર વિવિધ શાળા, કોલેજ, યુનિવર્સિટી,અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે.

મહિલાઓ કાયદાઓનો દુરુપયોગ ન કરે તેની સમજણ હોવી ખુબ જરુરી છે તેમ જણાવતાં લીલાબહેને વધુમાં જણાવ્યું કે બહેન-દિકરીઓ સ્વયંમ સશક્ત બનીને સ્વ રક્ષા કરી શકે તો અન્યને તથા સમાજમાં પણ મદદરૂપ બની શકે છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાઓ પ્રત્યે અત્યાચાર અને દૂષણ સામે રક્ષણ આપવા ગુજરાત મહિલા આયોગને ખૂબ મોટી સફળતા મળી છે.

આ પ્રસંગેમહિલા આયોગના હોદ્દેદારો, અમદાવાદ મહાનગરપાલિકાના ICDS  વિભાગના અધિકારીગણ, આંગણવાડી કેન્દ્રોની બહેનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.