Western Times News

Gujarati News

તમિલનાડુના વરસાદે સુરતના વેપારીઓને રડાવ્યા

સુરત, કોરોના કાળ બાદ માંડ માંડ કાપડ ઉદ્યોગ પાટા પર આવ્યો હતો. જાે કે તામિલનાડુમાં જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે તેને કારણે કાપડ ના વેપારીઓની ચિંતા વધી છે. કારણ કે, સુરતના વેપારીઓએ મોકલેલ માલ ગોડાઉનમાં જ પલળી ગયો છે, તો કેટલીક ટ્રકો ત્યા પૂરમાં ફસાઈ છે. આ વચ્ચે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થવાની ભીતિ છે.

દિવાળીના તહેવાર પહેલાં સુરતથી ચેન્નાઈ ડ્રેસનો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. તમિલનાડુના ગોડાઉનમાં પડેલા જથ્થાને થોડે ઘણે અંશે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જાેકે, આ બગડેલો માલ હવે પરત આવશે કે શું થશે તેના પર સૌની નજર છે.

પણ, કુદરતે વેરેલા વિનાશને કારણે આગામી પોંગલની સીઝનને અસર થવાની ભીતિ અત્યારે રાખવામાં આવી રહી છે. કાપડ બજારમાં વેપારીઓને નવી ખરીદીનો લાભ વર્ષમાં બે સીઝન દિવાળી અને પોંગલમાં મળતી હોય છે. દિવાળી પહેલાં મોટાં પ્રમાણમાં માલ વેપારીઓએ દક્ષિણના રાજ્યો માટે મોકલ્યો હતો અને હવે દિવાળી પછી આવતા પોંગલના તહેવાર તથા લગ્નસરાની નવી સિઝનની તૈયારીઓ વેપારીઓ શરૂ કરી હતી, ત્યાં પૂર અને વરસાદને કારણે પરિસ્થિતિ બગડતા ચિંતા છે.

દિવાળી પછી ૮૦ ટકા ટ્રાન્સપોર્ટર્સે લાભપાંચમથી કામકાજ શરૂ કરી દીધા છે. ૪૦ થી વધુ ટ્રાન્સપોર્ટર્સ દક્ષિણના પાંચ રાજ્યો સાથે સંકળાયેલા છે. સુરતથી પાંચ રાજ્યો માટે રોજ કુલ ૨૨૫ થી વધુ ટ્રકો રવાના થાય છે, તેમાંથી અડધોઅડધ જેટલી ટ્રકો માત્રને માત્ર તમિલનાડુ જતી હોય છે.

દક્ષિણના પાંચ રાજ્યો તમિલનાડુ, કેરાલા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા સાથે કાપડ બજારનો વેપાર ખૂબ જ મોટાં પ્રમાણમાં થાય છે. ત્યારે આ વચ્ચે જે રીતે પુર અને ભારે વરસાદની પરિસ્થિતિ ઉદભવી છે ત્યારે કરોડો રૂપિયાનો માલ ગોડાઉનમાં પલળી ગયો છે અને કેટલીક ટ્રક તો રસ્તા પરજ થોભાવી દેવામાં આવી છે. ત્યારે કાપડના વેપારીઓમાં હાલ નિરાશાનો માહોલ જાેવા મળી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.