Western Times News

Gujarati News

મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે ગુજરાત મહેસુલ પંચની કચેરીનું ભૂમિપૂજન

‘’ સત્ય અને ન્યાય લોકશાહીના મૂળભૂત તત્વ ’’  -મહેસુલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતના મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગુજરાત મહેસુલ પંચની કચેરીના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, મજબૂત લોકશાહી માટે સત્ય અને ન્યાય પાયાના તત્વો છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા વિસ્તારમાં આ નવી કચેરીનું નિર્માણ થશે. જેનો અંદાજિત ખર્ચ રુ. 26.11 કરોડ થશે.

મંત્રીશ્રીએ નવનિર્માણ પામનારી ગુજરાત મહેસુલ પંચની કચેરીની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું કે, વર્ષોથી ગુજરાત મહેસુલ પંચની રાજ્યકક્ષાની કચેરી લાલ-દરવાજા ખાતે કાર્યરત હતી, પણ હવે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકારે એસ.જી. હાઈ વે તેના નિર્માણનો નિર્ણય કર્યો છે. આ નવી સુવિધાના પગલે વકીલો અને અરજદારોની સુગમતામાં વૃદ્ધિ થશે.

શ્રી રાજેન્દ્રભાઈએ કહ્યું કે, મહેસુલ એ સરકારનો પાયાનો વિભાગ છે. આ વિભાગ સૌથી વધુ રોજગારી આપતા ખેતીવાડી અને બાંધકામ ઉદ્યોગમાં સેતુરુપ છે. મંત્રીશ્રીએ આ અવસરે જમીન તકરારના કેસ અને વિવાદનો ઝડપી અને ન્યાયપૂર્ણ ઉકેલ માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, મહેસુલી કાયદાઓના સરળીકરણની દિશામાં સરકાર ગંભીરતાપૂર્વક પ્રયાસો કરી રહી છે.

આ પ્રસંગે સાબરમતીના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ, મહેસૂલ વિભાગનાં સચિવ શ્રી પી.સ્વરૂપ, મહેસૂલ પંચના અધ્યક્ષ શ્રી,બાર એસોશિયેશનના સભયશ્રીઓ, સરકારી વકીલશ્રીઓ,જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાગલે, પ્રાંત અધિકારીશ્રી જે.બી.દેસાઇ, સીટી મામલતદારશ્રી. મહેસૂલ વિભાગના પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.