Western Times News

Gujarati News

સરસપુરમાંથી ચોરીનો સામાન સગેવગે કરવા ભેગાં થયેલાં બે રીઢા ગુનેગાર પકડાયા

ત્રણ વાહન તથા એક સોનાનો દોરો મળી આવ્યો

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેર ક્રાઈમ બ્રાંચે સરસપુરમાં ચોરીના વાહનો સગેવગે કરવા ભેગાં થયેલાં બે રીઢાં ચોરોને બાતમીનાં આધારે પકડી લીધાં છે. તેમની પાસેથી ચોરીના વાહનો તથા ચીલઝડપ કરેલી સોનાની ચેઈન પણ કબ્જે કરી છે. આ ગુનેગારોએ એક જ રાતમાં ચોરીના ત્રણ ગુનાને પણ અંજામ આપ્યાનું સામે આવ્યું છે.

પીઆઈ એન.આર.બ્રહ્મભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી એ વખતે પીએસઆઈ યુ.એન.ભરવાડની ટીમને કેટલાંક શખ્સો સોનાની ચેઈન અને ચોરી કરેલાં વાહનો સગેવગે કરવા સરસપુર ગુરૂદ્વારા સામે ભેગાં થયાં છે. તેવી બાતમી મળતાં તેમણે ગીરધર માસ્ટરનાં કંપાઉન્ડમાંથી બે ઈસમોને ઝડપી લીધા હતા.

પૂછપરછમાં તેમનાં નામ નવાઝ ખાન ઊર્ફે ઝીણીયો પઠાણ (પાંચકુવા, કાલુપુર) અને લતીફ શેખ (ગુરૂદ્વારા પાસે, સરસપુર) હોવાનું બહાર આવ્યું હતું. તેમની પાસેથી એક લુટેલી સોનાની ચેઈન તથા ત્રણ વાહનો મળી આવ્યા હતા.

તપાસમાં ૧૪ તારીખે બંને બર્ગમેન લઈ સુભાષબ્રીજથી રાત્રે નવ વાગ્યે એક વૃદ્ધાનાં ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી હતી. ત્યાંથી રાત્રે ૧૦.૩૦ વાગ્યે અંકુર રોડ પર આવેલી એડીસી બેંકનાં પાર્કીંગમાંથી મોટરસાયકલ ચોરી હતી. બાદમાં પોણા અગિયાર વાગે ૧૪૨ ફુટ રીંગ રોડ પર પણ ચીલઝડપ કરી હતી. ઉપરાંત ૧૭ તારીખે નવાઝે રીવરફ્રન્ટ પર આવેલી એક સોસાયટી નજીક પણ મહિલાના ગળામાંથી દોરાની ચીલઝડપ કરી હતી.

નોંધનીય છે કે, નવાઝ અગાઉ ચેઈન સ્નેચીંગ તથા ચોરીના ગુનામાં ૧૬ પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે. અને સાત વાર પાસાં પણ ભોગવી ચૂક્યો છે. જ્યારે લતીફ દેશી દારૂ તથા ચોરીઓના ગુનામાં પકડાયેલો છે. અને તે પણ પાસા ભોગવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.