Western Times News

Gujarati News

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુરુવાર બાદ ઠંડીનું જોર વધશે

અમદાવાદ, રાજ્યમાં મંગળવારથી જ વાદળછાયું વાતાવરણ હતુ. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે માવઠાની આગાહી કરી છે. જેના પગલે અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આવતી કાલ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે બેથી ત્રણ દિવસ બાદ ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના, ડાયરેક્ટર, મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, કાલ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

અમદાવાદમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહી સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમને ઠંડી અંગે જણાવ્યું હતુ કે, બે દિવસ બાદ રાજ્યમાં બેથી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.

ગોંડલ અને જસદણ પંથકમાં મોડીરાત્રે પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. ભર શિયાળે માવઠાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાયા છે. આજે સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે.

જસદણના આટકોટ, વીરનગર, જીવાપર, જંગવડ, પીપળીયા, ગુંદાળા, ચિતલીયા સહિત આજુબાજુના ગામોમાં રાત્રે બે વાગ્યે વરસાદ પડ્યો હતો. ધીમી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા.

કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાન થયું છે. જીરૂ, ચણા, ડુંગળી, લસણ અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. આ સાથે ગોંડલમાં પણ મોડીરાત્રે વાતાવરણમાં પલ્ટો જાેવા મળ્યો હતો. મોડીરાત્રે પવન સાથે ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.